મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આઝાદીના દાયદાઓ બાદ પણ ગરીબી મીટાએંગેના વચનો આપતા નેતાઓ હજુ સુધી ગરીબોની સંખ્યા ઘટાડી શક્યા નથી. એ વાત અલગ છે કે કાગળો પર તેમની સંખ્યા ઘટતી રહે છે. અમદાવાદમાં એવી ઘટના બની છે જે વર્ષો પહેલા સલમાનના કેસમાં હતી. જેમાં મજુરો પર સલમાન ખાનની કાર ચઢી જતાં ઘણો હોબાળો થયો હતો બાદમાં તે મુદ્દો કોર્ટમાં ઘણો લાંબો પણ ચાલ્યો.

આવો જ એક ગરીબ ગરીબીને કારણે ફૂટપાથ પર રહેતો હતો અને ત્યાં જ તેની કિસ્મત પ્રમાણે તેને મોત મળ્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર પકવાન ચાર રસ્તા ખાતે ફૂટપાથ પર સૂઈ રહેલા લકવાગ્રસ્ત વ્યક્તિ પર કાર ચાલકે કાર ચઢાવી દેતાં તે મજુરનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે લગભગ અત્યાર સુધી તો તેની નંબર પ્લેટ આધારે ભાળ પણ મેળવી લીધી હશે પરંતુ હવે તે વ્યક્તિને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.

શુક્રવારે મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પરના પકવાન ચાર રસ્તા નજીક બીટ ચોકી આવેલી છે ત્યાં પાછળની તરફના સર્વિસ રોડ પર એક રાજસ્થાનથી આવેલા 65 વર્ષીય સુખલાલ દુબેલાલ પાવરી સુઈ રહ્યા હતા. તેઓ અમદાવાદમાં છેલ્લા એકાદ મહિનાથી રમકડા વેચવા અને છૂટક મજુરીનું કામ કરતાં હતા. આખા દિવસના કામ બાદ તે જ્યાં આરામ કરવા મળે ત્યાં સુઈ રહેતા. તેમને છેલ્લા 10 વર્ષથી લકવો હતો. તેઓ રાત્રે અહીં સુઈ રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર જમવાનું લેવા માટે ગયો હતો. એક કારના ચાલકે તેમના પર કાર ચઢાવી દીધી. પુત્ર જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તે જ્યાં પિતાને મુકીને ગયો હતો ત્યાં ટોળું વળી ગયું હતું. તેણે જોયું કે પિતાની છાતીના ભાગેથી કારનું પૈડુ ફરી ગયું છે અને તેઓ હવે નથી રહ્યા. તેમના મોતથી ઘડી ભર તે આઘાતમાં સરી પડ્યો હતો. પોલીસે આ ઘટનામાં કારની નંબર પ્લેટ આધારે વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.