મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આજના દિવસમાં CNG કાર ચાલક માટે બે માઠા સમાચાર સામે આવ્યા છે. એક બાજુ CNGમાં પ્રતિ કિલો બે રૂપિયાનો ભાવ વધારવામાં આવ્યો છે તો બીજી બાજુ કંપની ફિટિંગ વાહનોમાં જ CNGની માન્યતા અપાશે. જ્યારે કંપની સિવાય બહાથી નિયમ વિરુદ્ધ સીએનજી કીટની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવી જાહેરાત થતાં ઘણાઓમાં નારાજગી વ્યાપી છે.

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવે સામન્ય જનતાની કમરતોડી નાખી છે.  હવે લોકો પેટ્રોલ-ડીઝલના વધતાં જતાં ભાવથી કંટાળીને  ગાડીઓમાં સીએનજી કીટ લગાવી રહ્યા છે. ત્યારે આવા વાહન ચાલકો માટે વધુ એક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.  આજે અમદાવાદ RTO ઋતુરાજ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહ્યું હતું કે, હવેથી કંપની ફિટિંગ વાહનોમાં જ CNG ની માન્યતા આપવામાં આવશે. જે કંપનીઓ નવા મોડ્યુલમાં CNG ફિંટીગ નથી અપાતી તેમાં પાછળથી કિટ ફિટ કરવાની કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. હવે નિયમ વિરુદ્ધ CNG કીટ ફિટ કરનાર સામે RTO દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  BS6 એન્જીનમાં નિયમ વિરુદ્ધ આડેધડ CNG ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરશે. માત્ર જૂના મોડ્યુલમાં જ CNG કિટ બજારમાંથી ફીટ કરી શકાશે.

એક તરફ  સરકાર દ્વારા બી.એસ.6 વાહનોમાં સી.એન.જીનું રજીસ્ટ્રેશન બંધ કર્યું હોવાથી હાલ નવા વાહનોનું સી.એન.જી રજીસ્ટ્રેશન થતું નથી. ત્યારે વાહન ચાલકને મજબૂરીમાં પેટ્રોલમાં વાહન ચલાવાનો વારો આવ્યો છે.