મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતા ભાજપને ઘણી વાર કેટલાક નેતાઓની કરતૂતોને કારણે નીચા જોણું થયું છે. ગુજરાતમાં યોજાનારી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓની ગતરોજ જાહેરાત થઈ ગઈ છે જેમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તથા અપક્ષોમાં નેતાઓને ટિકિટમાં રસ હોય તે સ્વાભાવિક છે. આવા સમયે નરોડામાં જ આજે ભાજપના નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બે નેતાઓ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.

અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં માથાકૂટ થઈ ગઈ હતી. અહીં ભાજપના ત્રણ નિરીક્ષકોની સતત હાજરી છે ત્યારે કાર્યકર્તાઓમાં આ પ્રકારનું ગેરશિસ્ત જોવા મળી રહ્યું છે. નિરિક્ષકોની હાજરીમાં જ હાથ ચાલાકી શરૂ થઈ ગઈ હતી. ભાજપની સેન્સ પ્રક્રિયા આજે નરોડા વિસ્તારમાં ચાલી રહી હતી ત્યારે અહીંના એક કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ અને બક્ષીપંચ પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. જોકે તેમને માર મારનાર કોઈ બહારનું નહીં પણ તેમની જ પાર્ટીના યુવા મોરચાના નેતા અને કાર્યકર લવ ભરવાડ હતા. ટિકિટ કેમ માગી તેવી દલીલો સાથે યુવા મોરચાના કાર્યકરે કોર્પોરેટર અને બક્ષીપંચના પ્રમુખને ધીબેડી નાખ્યા હતા. તે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

બીજી બાજુ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે કે, લવ ભરવાડે કોને માર માર્યો છે તેની તપાસ કરવામાં આવશે અને જો આવું કર્યું હોય તો હાલ તેની માહિતી મને નથી. જોકે તેમને ખ્યાલ છે કે નથી તેના કરતાં હાલ એ બાબત જાણવા જેવી છે કે શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતા નેતાઓ માટે આ ઘટના હૃદયમાં ધ્રાસ્કો પાડનારી છે.