મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના ઘણા નેતાઓ કાર્યકરો અત્યાર સુધીમાં કોરોનાનો શિકાર બની ચુક્યા છે. આજે વધુ બે ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે. હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર અને કામરેજના ભાજપના ધારાસભ્ય વી ડી ઝાલાવડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગેનીબહેનને સારવાર માટે ગાંધીનગરમાં ખસેડાયા છે જ્યારે ઝાલાવડિયાની તેમના ઘરે જ સારવાર ચાલી રહી છે. હવે ફરી જોખમ એ ઊભું થયું છે કે ત્રણ જ દિવસ પહેલા તેમણે મુખ્યમંત્રીની બેઠકમાં હાજરી આપી હતી.

અત્યાર સુધીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ભાજપના જગ્દીશ પંચાલ, કિશોર ચૌહાણ, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, તે ઉપરાંત આ નેતાઓ જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તેવા ઘણા લોકો પણ કોરોનાનો શિકાર બન્યા છે. હાલમાં ભરતસિંહ સોલંકીની હાલત સારી નથી. એ સિવાયના અન્ય નેતાઓ કોરોનાની બિમારીમાંથી બહાર આવી ચુક્યા છે. હાં પણ કોંગ્રેસના અમદાવાદના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું મૃત્યું થયું હતું.