દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં સમાન્ય જનતા માટે રાત્રે ૯ થી સવારના ૬ વાગે સુધી રાત્રી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે, એવા સમયે અમદાવાદના નવનિયુક્ત મેયર અને કોર્પોરેટર્સએ ગાંધીનગરના કોબા ખાતે ટિફિન પાર્ટીની મજા માણી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટુંક સમય પેહલા જ સ્થાનિક સ્વરજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો બાદ ભાજપના નવનિયુક્ત મેયર અને ૧૬૦ કોર્પોરેટર્સએ એકઠા થઈ ને ટિફિન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કેટલાક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં કોઈ માસ્કમાં જોવા મળ્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ કોઈ પાલન જોવા ન્હોતું મળ્યું. અહીંયા તો બધા લિજ્જતદાર વાનગીઓની મજા માણતા હતા. અમદાવાદમાં મળેલા ભવ્ય વિજયની પાર્ટી માણી રહ્યા હતા. જે જનતા એ વોટ આપીને જીત અપાવી તેમની જ કોઈ ચિંતા આ નેતાઓના ચેહરા પર દેખાતી હોય તેવું લાગતું નથી.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે તેને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર વાહનવ્યવહારની એએમટીએસ અને બીઆરટીએસ બસોને કોરોના સંક્રમણ અટકાવવાના પગલે બંધ કરવામાં આવી છે અને સામાન્ય જનતા માટે રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગે સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બાગ-બગીચા, કાંકરિયા અને રિવરફ્રન્ટ જેવા જાહેર સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બધા નિયમો માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડે છે તે સ્પષ્ટ છે.

જે નેતાઓ આ નિયમો બનાવે છે તેમણે જ આ નિયમોનું પાલન કરતા આવડતું નથી અથવા પાલન કરવાની ઈચ્છાશક્તિ નથી. થોડા સમય પહેલા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ભેગા થઈને નેતાઓએ રેલીના આયોજન કર્યા હતા અને શાભાઓ પણ યોજી હતી, જાણે ત્યારે કોરોના કાબૂમાં હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ મોટા પ્રમણમાં લોકો એકત્રિત થયા પણ ત્યારે પણ કોરોના ન હોય તો એક સામાન્ય માણસના રોજીંદા કામોમાં કોરોના કેમ આવી જાય છે. સામાન્ય જનતા જ્યારે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરે ત્યારે જ કોરોનાનું સંક્રમણ વધે છે? બાળકોનું શિક્ષણ પણ ૧૦મી એપ્રીલ સુધી બંધ કરવામાં આવ્યું છે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા પણ આગામી સૂચના સુધી લંબાવવામાં આવી છે, પણ આવા સમયે નેતાઓની પાર્ટી અને ઉજાણી થઈ શકે છે. નેતાઓ માટે કોઈ રોક ટોક નથી. ખેર જનતા માટે હાલ પોતે જ પોતાના પરિવારને બચાવવાના અને પાલવવાના ઉપાયો કરવાના છે તેવી સ્થિતિ છે, સરકારી બાબુઓ કે નેતાઓ પાસેથી અપેક્ષાઓ નઠારી સાબીત થઈ શકે છે.