મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં ચાઈનિઝ દોરીને કારણે કાગડાને પાંખો અને પગ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત એક પારેવડું પણ ઈજાગ્રસ્ત થયું છે. જોકે પ્રાણી પ્રેમી સંસ્થાએ તેમના જીવ બચાવ્યા છે પરંતુ ઈજાથી બંને પક્ષીઓ પીડાયા હતા. ઉત્તરાયણના પર્વની પહેલા જ બજારોમાં ચાઈનીઝ દોરીઓ ધૂમ જોવા મળી છે. લોકો પોતાની મજા માટે બીજાને મળતી સજા અંગે નથી વિચારતા તે અત્યંત દુઃખદ બાબત છે જ્યારે હજુ પણ ઘણા એવા લોકો પણ છે કે જેઓ લોકોને કે અબોલ પ્રાણીઓને પીડા થાય નહીં તે કારણે ઉત્તરાયણના પર્વને મનાવવાની સાથે સંપુર્ણ કાળજીઓ રાખે છે સાથે જ ચાઈનીઝ ટૂક્કલ કે દોરીનો મક્કમતાથી ઉપયોગ કરતા નથી. લોકગાયક કિર્તીદાન ગઢવીએ પણ આ અંગે લોકોને જાગૃત કરવા એક વીડિયો મેસેજ આપ્યો છે. જે મેસેજ અહેવાલના અંતે દર્શાવ્યો છે.

ચાઈનીઝ દોરી ને કારણે  કાગડાના પગ અને પાંખ કપાઈ ગયાની ઘટના બની છે. એનીમલ લાઈફ કેર સંસ્થાને શાહપુર નાગોરીવાડ વિસ્તારમાંથી કોલ આવ્યો હતો કે, એક કાગડો ઝાડ પર દોરી માં ફસાઈ ગયો છે. જાણ થતાની સાથે તાત્કાલિક સંસ્થાના વિજય ડાભીએ અન્ય મેમ્બર સાથે ત્યાં જઈ તેનું રેસ્ક્યુ કરી જીવ બચાવી લીધો હતો, પણ ચાઈનીઝ દોરીથી કાગડાનો જીવ તો બચ્યો પણ તેના પગ  કપાઈ ગયા. પાખ પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

મિત્રો એનિમલ લાઈફ કેરના વિજય ડાભી વતી અમારી જાહેર જનતાને એક વિનંતી છે કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરશો નહીં બિચારા અબોલ પક્ષીઓનો અને લોકોનો પણ જીવ જોખમમાં મુકાઈ જાય છે. કેમ કે ચાઈનીઝ દોરી જલદી નીકળતી નથી, તુટતી પણ નથી અને ખુબ જ ઘાતક રીતે ઈજાઓ કરે છે. આ વર્ષે સીટી વિસ્તારમાં રેસ્ક્યુ અભિયાનમાં સંસ્થા સાથે ગાહેડ ક્રેડાઇ પણ જોડાયું છે.

ઉતરાયણ પર્વ દરમ્યાન હજારો પક્ષીઓ દોરીને કારણે ઘાયલ થતા હોય છે. તેને બચાવવાનું કાર્ય વિવિધ સંસ્થાઓ તથા સરકાર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ કરતું  હોય છે તથા હાલ ગાહેડ ક્રેડાઈ પણ સીટી વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન કેમ્પમાં જોડાયું છે. ખુબજ કરુણા ભર્યું વાતાવરણ ઉતરાયણ પર્વ નજીક આવતા પક્ષીઓ માટે બનતું હોય છે.

ચાઈનીઝ દોરીથી ઘાયલ મનુષ્ય પણ થાય છે સાથે સાથે અબોલ પક્ષીઓનુ પણ મૃત્યુ થતુ હોય છે. 1. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. 2 વઘુ કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ ટાળીએ.. 3. પતંગ ભરાઈ ગયેલો હોય તો છાપરા કે ઘાબા કુદવા જોઈએ નહીં. 4. પક્ષી દોરીમાં ભરાઈ ગયેલું હોય તો જાતે લોખંડના સળિયા વડે ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, પણ પક્ષી બચાવો અભિયાન હેલ્પ લાઈનનો સપઁક કરવો જોઈએ. 5 રાત્રિના સમયે  મોટા અવાજે ફટાકડા ફોડવાનું ટાળો કેમ કે પક્ષીને માળા માં પરત ફરવા નો સમય હોય છે.  6. વહેલી સવારે તથા મોડી સાંજે પતંગ ચગાવાનુ ટાળવું જોઈએ. ઉતરાયણ પર્વ ખૂબ જ ઉત્સાહથી મનાવો જોઈએ સાથે સાથે અબોલ પક્ષીઓનું પણ ઘ્યાન રાખવું જોઈએ એ જ વિનંતી છે.

અબોલ પક્ષીઓના બચાવ માટે કામ કરતી એનીમલ લાઈફ કેર સંસ્થા વતી પ્રખ્યાત લોક ગાયક કિર્તીદાન ગઢવીએ અબોલ પક્ષીઓના જીવ બચાવવા તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા  સંદેશ આપ્યો હતો. વીજય ડાભીએ આ સંદર્ભે કિર્તીદાન ગઢવીનો આભાર માન્યો હતો.