પ્રિય જગન્નાથજી,

તને હું તુકારે જ સંબોધીશ કારણ મારી મા પછી મારા હ્રદયની નજીક કોઈ હોય તો તુ જ છે, હું મારી માતાને તુકારે સંબોધતા જેટલુ પોતાનાપણુ અનુભુવુ છુ, એટલે જ તુ પણ મને મારો પોતાના લાગે છે, આમ તો હું તને પત્ર ના પણ લખુ તો પણ તુ મારી ભીતરમાં ચાલતી ગડમથલને જાણે છે, છતાં તારી આગળ વાત કરી હું મારૂ મન મોકળુ કરવા માગુ છુ. ગુજરાત અને દેશની જે સ્થિતિ છે તેનાથી તુ તો વાકેફ છે, તારે સમાચાર જાણવા અખબાર-ટીવી અને ઈન્ટરનેટની જરૂર પડતી નથી, અમને સમાચારની દુનિયા પાંગળા અને ડરપોક બનાવી દીધા છે. તુ સર્વશકિતમાન અને અમારૂ રક્ષણ કરવાને સમર્થ હોવા છતાં તે અમને બુધ્ધીનો ઉપયોગ કરવાનું સામર્થય પણ આપ્યુ છે પણ મને લાગે કે તારી ઉપર ભરોસો કરનાર ધર્મ-આસ્થા અને પરંપરાને નામે બુધ્ધીનો જવલ્લેજ ઉપયોગ કરે છે.

છેલ્લાં 143 વર્ષથી પરંપરા રહી છે કે તુ અષાઢી બીજના દિવસે શહેરની નગરયાત્રાએ નિકળે છે,તે તો આ શહેરનો તડકો છાયડો સદીઓથી જોયો છે, આ શહેરની ધમધમતી મિલો, પોળમાં રહેતા લોકોનો આનંદ અને તારા નામે લડી મરતા લોકોનો તુ સાક્ષી રહ્યો છે, તને અનેક વખતે તારા બનાવેલા લોકોને જોઈ પીડા પણ થતી હશે, છતાં તે માણસ જાત ઉપરથી તારો ભરોસો ગુમાવ્યો નથી, તારા ભકતો હોવાનો દાવો કરનાર તારા લોકો તને સાંભળવાને બદલે તારા નામે પોતાના અંહકારને જ મોટો કરી રહ્યા છે, કોરોનાની પહેલી લહેરમાં તારી  નગરયાત્રાના રૂટ ઉપર રહેતા લોકોએ ખુબ ભોગવ્યુ છે, સારૂ છે કે કોરાના હિન્દુ મુસ્લિમનો ભેદ જોતો નથી નહીંતર હિન્દુ કોરોના અને મુસ્લિમ કોરાનાના નામે પણ આ શહેરમાં હુલ્લડ થઈ જાય તો નવાઈ નહીં.

Advertisement


 

 

 

 

 

ભગવાન કયારેક તને તારા લોકો જ વ્યવહાર જોઈ હસવુ આવતુ હશે નહી..છેલ્લાં દોઢ વર્ષથી જે સ્થિતિ નિર્માણ થઈ તેને થાળે પાડતા પોલીસ અને ડૉકટર સહિત સમગ્ર વહિવટી તંત્રને નાકે દમ આવી ગયો હતો, તારા મંદિરો ખાલી ખમ્મ હતા અને હોસ્પિટલો કીડીયારાની જેમ ઉભરાઈ હતી, અમે મંદિરમાં તારા દર્શને આવી શકતા ન્હોતા, પણ હોસ્પિટલમાં ડૉકટર-નર્સ અને વોર્ડબોયમાં અમે તારા દર્શન કર્યા હતા, કયારેક પોલીસ જવાને તો કયારેય અતિ સામાન્ય લોકોએ પણ બે ટંકનો રોટલો આપી હજી તુ છે તેનો અહેસાસ અપાવ્યો હતો, ધંધા રોજગારની તો તને ખબર હશે, લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને અનેકોએ પોતાના સ્વપ્નાઓના અગ્ની સંસ્કાર કરી દીધા છે, અમે બધા જ એક વિષમ પરિસ્થિતિમાંથી પસાર થયા તેનાથી તુ તો સારી રીતે વાકેફ છે.

આટલી બધી યાતનાઓ ભોગવ્યા પછી પણ તારૂ સર્જન, તારી પરંપરાને નામે ફરી તે યાતનાનો  માર્ગે પસંદ કરી રહ્યો છે, ગત વર્ષે અષાઢી બીજના દિવસે તારી બધી પરંપરા જળવાઈ અને મંદિરના પ્રાંગણમાં તે યાત્રા કરી, પણ આ વખતે તારા લોકો હઠ પકડી બેઠા છે કે મારો ભગવાન નગરયાત્રા કરશે, ખરેખર તો સંતાન આગ સાથે રમે ત્યારે પિતાએ તેને ઠપકો આપવો પડે અને સંતાન માને નહીં તો ઠપકારવો પણ પડે, કાયમ સરકાર તો પિતાની ભુમીકામાં હોય છે, પિતાને કાયમ સંતાનના સુખની ચીંતા હોય છે, પરંતુ સરકાર રૂપી પિતા ખુદ અસંમજસમાં છે, તેને તારા લોકો તારા નામે ડરાવી રહ્યા છે, જો યાત્રા નિકળી નહીં તો સરકાર હિન્દુ વિરોધી છે તેવો ડર તેમને સતાવી રહ્યો છે,

Advertisement


 

 

 

 

 

જગન્નાથજી તેમને સમજાવ આ સત્તાનું સુકાન પણ તે તેમને સોપ્યુ છે, તુ કોઈની લાયકાત અને આવડત જોઈ કઈ આપતો નથી, તારી કૃપા બધાનું ધ્યાન રાખે છે. જેમના હાથમાં તે સત્તા સોંપી છે તેમને તે સત્તાની સાથે જવાબદારી પણ સોંપી છે, સત્તાનો રસ્તો દરેક વખતે સુખ આપતો નથી, કયારેક જવાબદારી પુરી કરતી વખતે આકરા પણ થવુ પડે, પણ સરકારની આકરા થવાની તૈયારી નથી, તે બધાને ખુશ રાખવા માગે છે, પણ તે જોખમી રસ્તો છે તને એટલી જ પ્રાર્થના અમારા શાસકને તેઓ શાસક છે તેવો અહેસા અપાવજે અત્યારે તારી યાત્રા કાઢવી કે નહીં તેની ચર્ચા નથી, હવે તો ચર્ચા તારી યાત્રા કેવી રીતે કાઢવી તેનો મુદ્દો છે ભગવાન તારી યાત્રા નિકળશે તો અમદાવાદીઓ તારા દર્શન કરવા જરૂર નિકળશે, પછી શુ થશે તેનો જવાબ તો તુ જ આપી શકીશ.

પણ હવે પોલીસ રક્ષણ હેઠળ શહેરમાં કરફયુ નાખી યાત્રા કાઢવાની વાત છે, આ તો કેવી સ્થિતિ વિશ્વના નાથ જગન્નાથ યાત્રાએ તો નિકળે પણ કરફયુમાં યાત્રા કરશે, વિશ્વ આખામાં આ પહેલી યાત્રા હશે જેમાં ભગવાન કરફયુમાં બહાર નિકળશે, ખેર તારા ભકતો તો સારા છે નહીંતર યાત્રા પછી તારી ઉપર કરફયુ ભંગનો ગુનો નોંધી શકે છે મને લાગે છે આ આખા પ્રસંગમાં તારી ઉપરનો પ્રેમ અને આસ્થા કરતા પ્રશ્ન મમતનો બનાવી દેવામાં આવ્યો છે અને બધા જ આ મમતના દડાને એકના હાથમાંથી બીજાના હાથમાં મોકલી આપે છે. અત્યારે તો તારા મંદિરના રક્ષકોએ તારી ચીંતા કરવાને બદલે તારા બનાવેલા લોકોની ચીંતા કરવી જોઈએ, કઈ રીતે ત્રીજી લહેરમાં મંદિરો લોકોને બચાવી શકે તેવી આરોગ્યની સુવીધા આપી શકે, ભુખ્યાને અન્ન અને બેરોજગારને કામ આપી શકે તેને તૈયારી હોવી જોઈએ , ખરેખર તો મંદિરના રક્ષકોએ દરેક માણસમાં જગન્નાથના દર્શન કરવા જોઈએ, પણ ખેર તેવુ થઈ રહ્યુ નથી, જે થઈ રહ્યુ છે તેમા મારી સમજ અને હું ખુબ ટુંકા પડીએ છી કદાચ આ જ તારી ઈચ્છા હશે તેવુ હાલમાં માની લેવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી હરી ઈચ્છા બળવાન.

તારો પ્રેમી

પ્રશાંત દયાળ