મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં મુળ ઓમાનની હાલમાં અમદાવાદમાં સ્થાઈ થયેલી પરણિતાએ પોતાના પતિ સામે શારિરીક અને માનસીક ત્રાસની ફરિયાદ આપી છે, જેમાં કામ ધંધો નહીં કરતો પતિ પોતાનો ખર્ચ કાઢવા અને વધી ગયેલુ દેવું ચુકતે કરવા પોતાની પાસે સ્ત્રીબીજ વેચવાની ફરજ પાડતો હતો, પણ સતત સ્ત્રીબીજ વેચવાને કારણે પરણિતાની તબીયત લથડતા પતિએ બળજબરીપૂર્વક છૂટાછેડાના કાગળો ઉપર સહી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

26 વર્ષની ફરાજ પઠાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પ્રમાણે તેનો ઉછેર ઓમાનમાં થયો હતો અને તેણે અરબીભાષામાં શિક્ષણ મેળવેલુ છે. 2010માં તેનો પરિવાર અમદાવાદ સ્થાઈ થવા આવ્યો જેના કારણે તે પણ અમદાવાદ આવી હતી. તેની લગ્નની ઉંમર થતાં તેના પરિવારે અફઝલખાન પઠાણ સાથે તેના લગ્ન કરાવ્યા હતા, પણ લગ્ન બાદ ખબર પડી કે અફઝલ કોઈ કામ કરતો જ નથી. ઘર ચલાવવા માટે તે ફરાજને પોતાના પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરતો હતો, લગ્નના પરિણામ સ્વરૂપ તેમને બે દિકરા થયા હતા.

ફરાજની માતા પોતાની દીકરીના સંસાર માટે પૈસા આપતી હતી, પણ 2016માં તેની માતાનું અવસાન થતા અફઝલને મળતા પૈસા બંધ થઈ ગયા હતા. આથી તે ફરાજને પોતાના ભાઈઓ પાસેથી પૈસા લઈ આવવાનું કહેતો હતો. ફરાજે ભાઈઓ પાસે પૈસા માગવાનો ઈન્કાર કરતા, અફઝલે પૈસા માટે ફરાજને પોતાનું સ્ત્રીબીજ વચેવાની ફરજ પાડવાની શરૂઆત કરી હતી. ગુજરાતના વિવિધ શહેરોમાં તે ફરાજને લઈ જઈ સ્ત્રીબીજ વેચતો હતો તેમાંથી પૈસા મળે તેમાંથી તે પોતાનો ખર્ચ કાઢતો હતો.

પરંતુ બીજી તરફ કામ નહીં કરતા અફઝલનું દેવુ વધવા લાગ્યું હતું જેના કારણે તે વધુ પૈસા માટે સ્ત્રીબીજ વેચવા ફરાજને રાજસ્થાનના જુદા જુદા શહેરોમાં લઈ જતો હતો, આમ સતત સ્ત્રીબીજ વેચવાને કારણે ફરાજની તબીયત ખરાબ થવા લાગી હતી, આથી તેણે સ્ત્રીબીજ વેચવાની ના પાડતા અફઝલ ઉશ્કેરાયો હતો અને છૂટાછેડાના કાગળો ઉપર સહીઓ કરાવી હતી. આમ સતત ત્રાસમાં જીવતી ફરાજે પોતાના પતિ સામે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.