દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણાં દેશમાં લોન લેવું હવે દરેક સામાન્ય વ્યક્તિ માટે સહેલુ નથી પરંતુ ઘણા માટે સહજ થઈ ગયું છે. સામન્ય માણસ લોન લઈને પોતાના મોજશોખના સંસાધનો વસાવતા હોય છે પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોને વિકસાવવા માટે લોન લેતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોમાં એવાં પણ કિસ્સા સામે આવ્યા છે જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાની બેન્ક પાસેથી લોન લઈને દેશ છોડીને ભાઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કર્મશીલની ભૂમિકામાં રહેલા ડૉ. કનુ કલસરિયાએ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

ડૉ. કનુ કલસરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, " બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહે એલઆઇસીના કેટલાક કર્મચારીઓ સાથે મળીને 401.70 કરોડનું આર્થિક કૌભાંડ કર્યું છે. આશિષ શાહે બાલાજી આગોરા મોલને મોર્ગેજ મૂકીને એલઆઇસી હાઉસિંગ ફાઈનાન્સ લી. કંપની પાસેથી 401.70 કરોડ રૂપિયાની લૉન લીધી છે જે હકીકતમાં માત્ર 60 થી 70 કરોડ જ હોવી જોઈએ. એલઆઇસીમાં દેશના સામન્ય નાગરિકોના વીમાના પૈસા હોય છે જે આવી રીતે વેડફવા ન જોઈએ."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બાલાજી અગોરા મોલ જેનું બાંધકામ 16,996.80 સ્કવેર મીટર બાંધકામ છે તેને કંપનીના માલિકો અને એલઆઈસીના કર્મચારીઓ દ્વારા 72,983.52 સ્કવેર મીટર બતાવીને 60-70 કરોડની જગ્યાએ 401.70 કરોડની લૉન લઈને ઈરાદા પૂર્વક આર્થિક કૌભાંડ કરવામાં આવ્યું છે. આ અંગે અમે ગાંધીનગર સીબીઆઈ અને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ઇકોનોમિકલ શેલમાં ફરિયાદ કરવના છે. આ દરેક વાતના પુરાવા અમારી પાસે છે જે અમે સીબીઆઈ અને સીઆઈડી ક્રાઇમને આપીશું"