મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફરજ પર રહેલા પોલસ જવાને ચાની કીટલી પર ટોળે વળી એકત્ર થયેલા યુવાનોને ટોકતા, પહેલા બોલાચાલી થઈ અને પછી મામલો બગડ્યો. એકત્ર થયેલા યુવાનોએ તમામ નિયમો અને મર્યાદાઓ નેવે મુકી કોઈ ઢોરને ફટકારતા હોય તે રીતે યુનિફોર્મમાં રહેલા પોલીસ જવાનની ધોલાઈ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી તેને પણ વાયરલ કર્યો હતો. સોલા પોલીસે આ મામલે એક સગીર સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓનો દાવો હતો કે પોલીસ કર્મચારી દારુના નશામાં હોવાને કારણે ઝઘડો થયો અને તેના કારણે તેને માર માર્યો હતો. આ મામલે સોલા પોલીસે બંને પક્ષોની બે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ગોતા વિસ્તારમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર થયો હોવાને કારણે સોલા પોલીસનો એક પોઈન્ટ ગોતા ગામમાં મુકવામાં આવ્યો હતો. કોન્સટેબલ સુનિલ ચૌહાણની ડ્યૂટી માઈક્રો કન્ટેઈનમેન્ટ એરિયામાં હતી. સુનિલ ચૌહાણનું કહેવું છે કે ગઈ રાત્રે તે ચા પીવા માટે ગોતાથી ચાંદલોડિયા વિસ્તારમાં આવ્યો હતો. જ્યાં યુવકોનું ટોળું સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર અને માસ્ક પહેર્યા વગર ઊભું હતું. જેને કોન્સ્ટેબલ સુનીલ ચૌહાણે ટોકતાં ટોળામાં રહેલા યુવકોએ ઝઘડો શરૂ કર્યો હતો અને લાકડીઓ અને પાઈપો લઈ સુનિલને મારવા દોડતા પ્રારંભીક તબક્કે કોન્સ્ટેબલ ચૌહાણે ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટોળાએ ઘેરી રસ્તા પર નીચે પાડી દઈને કોન્સટેબલને ઢોર માર માર્યો હતો.

આ બનાવમાં કોન્સટેબલ સુનિલ ચૌહાણ ગંભીર રીતે ઘવાયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુનિલની ફરિયાદને આધારે સોલા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓએ આરોપ મુક્યો છે કે, નશાની હાલતમાં રહેલો કોન્સટેબલ સુનિલ બેફામ વર્તન કરતો હોવાને કારણે આ ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓની વાતમાં તથ્ય હોય અને સુનિલે નશો કર્યો હોય તો પણ માત્ર પોલીસ સાથે જ નહીં કોઈ પણ આમ નાગરિક સાથે આવી હેવાનીયત કરનારને બક્ષી શકાય નહીં. જુઓ આ ઘટનાનો વીડિયો