મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. લોકોમાં હાલ ચિંતાનો માહોલ છે ત્યારે ઘણા લોકો એવા છે જેઓ કોરોનાની ગાઈડલાઈન્સ ફોલો કરવાથી દૂર ભાગતા હોય છે. માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ સહિત ગણી બાબતો પર બેદરકારીઓ અવારનવાર સામે આવતી હોય છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ખાનગી ઓફીસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી. છત્તાં અમદાવાદમાં ઘણા સ્થાનો પર 50 ટકા કરતાં વધુ સ્ટાફ સાથે એકમો ધમધમતા હોવાની વિગતો સામે આવી હતી. અમદાવાદ કોર્પોરેશને આ સંદર્ભમાં કડકાઈથી કામ લેતાં સ્ટાર બજાર સહિત 4 ઓફીસને પણ સીલ કરી દીધી છે.


 

 

 

 

 

અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગુરુવારે વધુ સ્ટાફ બોલાવવાને મામલે 4 એકમોને સીલ કર્યા હતા. કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં 275 ખાનગી ઓફીસમાં સ્ટાફની હાજરીની તપાસ કરાઈ હતી. જેમાંથી 4 ઓફિસમાં વધુ સ્ટાફ હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલીક ધોરણે તેને સીલ કરવામાં આવી હતી.

અમદાવાદમાં સૌથી વધારે મધ્ય ઝોનમાં 85 ઓફિસ, ઉ. પશ્ચિમની 52 ઓફિસ, દ. પશ્ચિમ ઝોનની 24, પૂર્વ ઝોનની 37 ઓફિસ, પશ્ચિમ ઝોનમાં 28 ઓફિસ, દક્ષિણ ઝોનમાં 14 ઓફિસ અને ઉત્તર ઝોનમાં 35 ઓફિસોની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ જ મામલે કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પરના મેઘમણિ હાઉસ અને વસ્ત્રાલની વીરા ગોલ્ડને પણ સીલ કરવામાં આવ્યા હતા. ટેક્સ વિભાગે મકરબાના ગેલોપ્સ ઓટોહોસ પ્રા. લી., એસજી હાઈવેના મેસર્સ સી એન્ડ એસ, થલતેજની એક્સીસ બેન્કના હેલ્પ ડેસ્ક, નિકોલમાં રિદ્ધી કો સર્વિસીસ, વસ્તાલની ક્રિષ્ના ડાયમંડને પણ 50 ટકાથી વધુ સ્ટાફ હોઈ સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં પણ આ જ રીતે તપાસ કરાતી રહેશે અને સૂચનો બહાર કામ કરતા એકમો પર કાર્યવાહી કરવામાં આવશે.