જગન્નાથ પુરીની રથયાત્રા પરંપરા મુજબ આવતીકાલે નિકળશે, SCએ શરતો સાથે આપી મંજુરી

મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે એક બખેડો આજે થયો છે. જેમાં મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની કારને પોલીસે મંદિરની અંદર પ્રવેશતા રોકી લીધી જેનાથી ટ્રસ્ટીગણ અને પોલીસ વચ્ચે ગરમાવો આવી ગયો હતો. આ દરમિયાન મહંત દિલીપદાસજી પણ નારાજ થયા હતા. જોકે પોલીસ સાથે કે પોલીસે તેમની સાથે હજુ કોઈ અયોગ્ય વર્તન કર્યું હોય તેવું હાલ (આ લખાય છે ત્યારે) જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે હાલ આ રથયાત્રા પર રોક લગાવી છે. આવી જ રીતે સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી પહેલા રોક લગાવી હતી. હાલમાં આજે સુપ્રીમ કોર્ટે 23 જુને જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવાની મંજુરી આપી દીધી છે. જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર પુરીમાં જ યાત્રાની મંજુરી હશે. ઓરિસ્સામાં બીજે ક્યાંય યાત્રા નિકશી શકશે નહીં. કેન્દ્ર સરકારને કોર્ટે એવું પણ કહ્યું કે, મંદિર કમિટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં આ યાત્રા નિકળશે, જોકે કોઈપણ ભોગે લોકોના સ્વાસ્થય સાથે સમજૂતી ન થવી જોઈએ. જો સ્થિતિ બગડતી જોવા મળી તો ઓરિસ્સા સરકાર યાત્રા અથ્વા ઉત્સવને રોકી શકે છે. કરોડો લોકોની આસ્થાનો સવાલ છે અને આવતી કાલે જો ભગવાન બહાર ન નિકળી શક્યા તો 12 વર્ષ સુધી રથ નિકળી શક્શે નહીં કારણ કે આ જ પરંપરા છે રથયાત્રાની.

જોકે ગુજરાતના અમદાવાદમાં નિકળતી સૌથી લાંબી રથયાત્રાને હજુ ગુજરાત હાઈકોર્ટની મંજુરી મળી નથી. આ રથયાત્રા કેટલાક એવા વિસ્તારોમાંથી નિકળે છે જ્યાં કોરોનાના કેસની સંખ્યા વધુ છે. તેથી હાલ મંદિર પરીષદમાં જ રથયાત્રા થાય તેવી શક્યતા છે. પોલીસે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરને હાલ કોર્ડન કરી લીધું છે. હાલ જમાલપુર દરવાજાથી માંડીને જમાલપુર બ્રીજ સુધીના રસ્તાઓ બંધ છે. આજે જ્યારે મહેન્દ્ર ઝાની કારને મંદિરમાં પ્રવેશવા ન દેવાઈ ત્યારે ત્યાં ગરમાગરમી વધી ગઈ હતી. ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ નારાજ થઈને ત્યાંથી જતા રહ્યા હતા. જોકે એવી વાત પણ મળી રહી છે કે પોલીસે મંદિરમાં આવનારી ગાડીઓનું લીસ્ટ માગ્યું છે, પરંતુ તે બાબત પર સત્તાવાર માહિતી મળી શકી નથી. હાલ પોલીસની કાર્યવાહીને પગલે અહીં માહોલ એવો થયો છે કે ખુદ મંદિરના મહંત પણ નારાજ થયા છે.