મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ રાજકોટ હાઈવે પર સાણંદ ખાતે સનાથલ ચોકડી પાસે કોરોનાના રિપોર્ટ કાઢવાના નામે રિતસર મઝાક ચાલી રહી છે. અહીં કોરોનાની તપાસના આંકડા વધારવા માટે જાણે રમત ચાલી રહી હોય તેવો ડોળ નરી આંખે જોઈ શકાય છે. તંત્ર દ્વારા અહીં બસમાં બેસેલા તમામના રિપોર્ટ કરવામાં આવે છે, જોકે ગાડીઓ વાળા, ટુ વહીલર (ટુંકમાં ખાનગી વાહનો) તપાસ વગર અહીંથી પસાર થઈ શકે છે. બીજી એક મજાક તો એવી ચાલી રહી છે કે ટેસ્ટીંગ બાદ વ્યક્તિ નેગેટિવ હોય તો ચીઠ્ઠીમાં અંગ્રેજી મૂળાક્ષરનો એન (N) લખીને આપે છે અને પોઝિટિવ હોય તો (P).

કોઈ પ્રકારનો યોગ્ય રિપોર્ટ અહીં લોકોને અપાતો નથી કે જેથી તેઓ આગળ પણ ક્યાંય તપાસ દરમિયાન રજુ કરી શકે. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, રાજકોટ અમદાવાદ હાઈવે પર કોરોના ટેસ્ટની કામગીરી બાબતે બસ ઊભી રખાવીને તમામનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં તપાસના નામે તો સાવ મીંડું જ છે કારણ કે અહીં કોઈ ડોક્ટર રાખવામાં આવ્યા નથી. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનો તો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. જ્યારે આ સંદર્ભમાં મે ટીડીઓ સાથે વાત કરી પ્રશ્ન કર્યો ત્યારે તેઓ સાવ ઉકળી ઉઠ્યા અને ઉદ્ધતાઈ પૂર્વક જે થઈ રહ્યું છે તેમાં સહકાર આપવાનું કહ્યું.

તેમણે વધુ પ્રકાશ પાડતાં કહ્યું કે, અહીં જ્યારે મેં તપાસ કરાવી તો તે પછી મને એક ચીઠ્ઠી આપવામાં આવી જેમાં એક નંબર પાડેલો હતો મારું ફક્ત નામ હતું અને એન મૂળાક્ષર હતો. એન મૂળાક્ષરનો મતલબ કે હું કોરોના નેગેટિવ છું. જો કોઈ પોઝિટિવ આવે તો તેનામાં પી લખે છે અહીં. કોરોનાનો આ રિપોર્ટ જોઈ રિતસર હાસ્યાસ્પદ લાગ્યું. અહીં લગભગ રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે, ક્યાંક કોઈના ખિસ્સા ભરાઈ રહ્યા છે તેવો અંદાજ આવી રહ્યો છે.

તેમણે એવી ચોંકાવનારી વાત કરી કે, હું જે બસમાં હતો તે બસમાં જ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. તંત્રએ હવે શું કર્યું કે તે વ્યક્તિને બસમાંથી ઉતારી દીધો અને બસ રવાના કરી દીધી. ન બસને સેનિટાઈઝેશન કર્યું, ન અન્ય દર્દીઓને સેનિટાઈઝર લગાવવા આપ્યું. બીજા કોઈને કોરોના થશે તો? તેવી કોઈ ચિંતા જ અહીંના તંત્રમાં જોવા મળી નથી. આ કેવુ? તો પછી આવા ધાંધિયા કરી લોકોના સમય અને પૈસાના બગાડ સિવાય આને બીજું કાંઈ કહી શકાય નહીં. કોરોનાના દર્દીને ત્યાં ઉતારી બાદમાં એમ્બ્યૂલન્સમાં મોકલ્યા કે નહીં તે હું નથી જાણતો પરંતુ ખરેખર બસને સેનેટાઈજર કરવી પડે. આ સિવાય પણ ઘણા પગલા લેવા પડે, પણ અહીં અન્ય મુસાફરોને રામ ભરોસે છોડી ત્યાંથી બસ રવાના કરી દેવાઈ છે.