પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના સામેની લડાઈ બહુ વિકટ અને લાંબી ચાલે તેમ છે, માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર એકલા હાથે લડી શકે તેમ નથી, આ લડાઈમાંથી આપણે સહુ બહુ જલદી અને સલામત રીતે બહાર નિકળી જઈએ તે માટે સરકારને ખાનગી અને સામાજીક સંસ્થાઓ સહિત મહાજનોની પણ જરૂર છે. લોકડાઉનની સ્થિતિમાં સૌથી કપરી સ્થિતિ રોજમદારોની છે. તેમની પાસે અન્ન પણ નથી અને પૈસા પણ નથી. આવા રોજમદારો સુધી રોજનું ભોજન પહોંચાડવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસમાં અમદાવાદના રાજપથ અને કર્ણાવતી કલબે સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે.

21 દિવસ લોકડાઉન રહેવાનું છે ત્યારે ગરીબ માણસ કેવી રીતે જીવશે તેવી ચિંતા કરતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ગરીબો ઘરની બહાર નિકળે નહીં અને તેમના ઘરના દરવાજે ભોજન પહોંચે તેવી યોજના ઘડી કાઢી છે. જો કે કોર્પોરેશન એકલા હાથે આ કામને પહોંચી વળે તેમ નથી, કમિશનર વિજય નહેરા દ્વારા વિવિધ સંગઠનો અને સંસ્થાઓ પાસે આ કામના સહયોગ કરવાની વિનંતી કરી હતી.

જેના ભાગ રૂપે અમદાવાદની મોટી ગણાતી રાજપથ અને કર્ણાવતી કલબના હોદ્દેદારો દ્વારા અમદાવાદ કોર્પોરેશનને સવારે અને સાંજે પાંચ હજાર ફૂડપેકેટ બનાવી આપવાનો નિર્ણય કર્યો છે. રાજપથ કલબના હોદ્દેદાર મીશેલ પટેલે જણાવ્યું હતું કે, સવાર-સાંજ કોઈ એક જ કેટરર્સ પાંચ હજાર ફૂડપેકેટ બનાવી આપી શકે તેમ નથી આથી અમે અલગ અલગ ચાર કેટરર્સને આ કામ આપ્યું છે. સવાર સાંજે પાંચ હજાર ફૂડપેકેટ અમે બનાવી અમદાવાદ કોર્પોરેશને સુપ્રત કરીશું કોર્પોરેશનના અધિકારીઓ નક્કી કરેલા વિસ્તારમાં ગરીબના ઘર સુધી આ ફૂડપેકેટ પહોંચાડશે.