દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણાં દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઘણા બધા વાદ વિવાદ વચ્ચે દેશમાં વેકસીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આજ સુધી આપણાં દેશમાં કુલ ૭૮,૭૨,૪૯,૧૭૪ લોકોને વેકસીન આપવામાં આવી છે. જેમાંથી ૧૯,૫૨,૭૯,૯૧૩ લોકો વેકસીનના બંને ડોઝ લઈ ચુક્યા છે. અત્યાર સુધી મુસાફરી કરવા માટે વેક્સીનનું સર્ટિફિકેટ બતાવવું જરૂરી હતું પરંતુ હવે ધીમે ધીમે જાહેર વ્યવસ્થાઓમાં પણ વેક્સીનનું સર્ટિફિકેટ અનિવાર્ય કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે એક નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત AMTS અને BRTS, કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહલાય, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમનેશિયમ, સ્વિમિંગ પુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીટી સિવિક સેન્ટર, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ જાહેર બિલ્ડિંગમાં પ્રવેશવા માટે વેક્સીનનું સર્ટિફિકેટ અનિવાર્ય રહેશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જે લોકો વિકસીન લેવા માટે લાયકાત ધરાવે છે તેમણે પ્રથમ કે બીજો ડોઝ વેકસીન લીધી હશે તો જ ઉપર જણાવેલ સ્થળો પર પ્રવેશ કરી શકશે. જોકે હજુ બાળકો માટે વેકસીન આવી નથી તો બાળકો આમાંથી બાકાત રહેશે. આ ઉપરાંત ખાસ જે બાબત પર તંત્ર હંમેશા બાંધ છોડ કરતું આવ્યું છે તેમાં રેલીઓ, ધાર્મીક મેળાવળાઓ સહિત ઘણી બાબતોની સ્પષ્ટતા અહીં કરાઈ નથી. કારણ કે તંત્રએ નિયમ પાલનની જવાબદારી હંમેશા જનતાના માથે જ નાખી છે. આ બાજુ આ પ્રકારે થતાં ટોળાઓ દરમિયાન વેક્સીન સર્ટી ક્યાંય માગવામાં આવશે કે કેમ તેની સ્પષ્ટતા પણ તંત્રએ ખોંખારીને કરવી જોઈએ.

Advertisement