મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દેશ દુનિયામાં જ્યાં ઓમિક્રોનના વેરિએંટથી ભલભલા ભયમાં છે ત્યારે આપણે ત્યાં રાજકીય પાર્ટીઓ અને પ્રસંગોમાં આવી કોઈ ચિંતા કે ભય જોવા મળતો નથી. નેતાઓ વાતો ભલે લોકોની વ્યથા અને લોકોની ચિંતાની કરે પરંતુ ખરેખરમાં આવું જોવાનું સુખ ભાગ્યે જ મળે છે, તેમાં પક્ષને ક્યાંય લાગે વળગતું નથી. તમે કોઈપણ પક્ષ કહો હાલમાં મહામારીના સમયમાં લગભગ દરેક પક્ષે ટોળા ભેગા કર્યા છે. આવું જ કાંઈક થોડા વખત પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ નિમાયા ત્યારે પણ થયું હતું અને આજે પણ જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની વરણી થઈ છે ત્યારે તેમના સ્વાગતમાં અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતા-કાર્યકરોની જે જંગી મેદની જોવા મળી હતી ત્યાં અમુકને બાદ કરતાં લગભગ તમામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સની તો વાત જ ન પુછાય તેવી સ્થિતિ હતી.

અમદાવાદ એરપોર્ટ પર અહીં સુધી કે પત્રકારો કે કેમેરામેન યોગ્ય રીતે શૂટ કરી શકે તેવી સ્થિતિ જ ન્હોતી,  જેને કારણે તેમના પણ ટોળા હતા. ગેટ નંબર 5 પરથી તેમનું આગમન થયું ત્યાં લોકોએ ભારે શોરબકોર હર્ષ અને ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું હતું. જગદીશ ઠાકોર જોકે નેતા પણ એવા છે, તેઓએ પણ ભીડ ન કરવા એક તબક્કે તો ઈશારો કર્યો પરંતુ આ સમયે તે સમજનારું ભાગ્યે જ કોઈ હશે. કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર લડાયક નેતા તરીકે જાણિતા છે પરંતુ જ્યારે રોગચાળા સામે લડવાની વાત છે ત્યાં તે લડતમાં ખુદ કોંગ્રેસે કોરોનાને છીંડુ પાડી આપ્યું હોય તેવી સ્થિતી અહીં હતી.
 

Advertisement