મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગોએ માજા મુકી છે. ફેલાતા રોગોએ હાલમાં જ વડોદરાના એક આરોગ્ય અધિકારીની દીકરીનો ભોગ લીધો છે. તંત્ર આ રોગોમાં લોકોના થઈ રહેલા મોત અને હેરાનગતિને પગલે પહેલાથી જ જાગવાનું હતું પરંતુ હવે મોડું મોડું પણ જાગ્યું છે, તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગ અંતર્ગતના મેલેરિયા વિભાગ દ્વારા રોગોને ડામવા માટે ચેકિંગ કર્યું હતું. 

એએમસીએ ચેકિંગ દરમિયાન અમદાવાદમાં અલગ અલગ ટીમો સાથે કામગીરી હાથ ધરી હતી. જે પૈકી શાળા કોલેજીસ પૈકીની 9 માં મચ્છરોના બ્રિડિંગ મળ્યા હતા. જેને પગલે કોર્પોરેશને તેમને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીનું કહેવું છે કે, શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે વખતે કુલ 747 શાળા-કોલેજને ચેક કરવામાં આવ્યા હતા. આ પૈકીની 81 ને નોટિસ અપાઈ હતી જ્યારે 9ને સીલ કરવાની કામગીરી તથા કુલ રૂ. 1,57,000નો વહીવટી ચાર્જ વસુલ્યો છે.

સીલ કરવામાં આવેલી શાળા-કોલેજમાં સોહમ નર્સિગ સ્કૂલ-ઠક્કરનગર, હિન્દી પ્રતાપ સ્કૂલ- ઘાટલોડિયા, નિર્માણ સ્કૂલ-બોડકેદવ, મહારાજ અગ્રેશન સ્કૂલ- ઓઢવ, દુન સ્કૂલ-વસ્રાલ, યુરો કીડસ-જોધપુર, વેજલપુર ઇગ્લીશ-ગુજરાતી શાળા, અમન સ્કૂલ-બહેરામપુરા, એલ એનસી મહેતા આર્ટસ કૉલેજ- જમાલપુરનો સમાવેશ થાય છે.