મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોરોનાના વધતા કેસને લઈને હવે અમદાવાદના માથે ઘણું મોટું જોખમ છે. અમદાવાદમાં વધુ 50 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોનાના કુલ હવે 133 કેસ છે. જેમાંથી અત્યાર સુધી કોરોના 6નો ભોગ લઈ ચુક્યો છે. અમદાવાદના પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર અમદાવાદના કુલ 14 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટીન કરાયા છે.

તબલીગી જમાતના વધુ 11 વ્યક્તિઓની પણ ઓળખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. હવે પછીની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે ત્યારે અમદાવાદમાં ગુરુવારે રેકોર્ડ બ્રેક 50 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફોલ્સ નેગેટિવ કેસીસ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. એવા કેસ કે જેમાં પહેલાથી કોરોનાના લક્ષણો જોવા મળતા નથી. હાલની માહિતી મુજબ અમદાવાદમાં સામે આવેલા કેસ ક્લસ્ટર ક્વોરેન્ટીન કરાયેલા વિસ્તારોના છે. બુધવારે 600 સેમ્પલ લેવાયા હતા. હવે જ્યારે મોટી સંખ્યામાં સેમ્પલ્સ લેવાઈ રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની શક્યતાઓ છે.

અમદાવાદની આ જોખમી સ્થિતિ સંદર્ભે મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જુ પણ અમદાવાદમાં વધુ કેસ ઉમેરાઈ શકે છે. અમદાવાદીઓ માટે આવનારા 2-3 દિવસો થોડા કપરા છે. પણ લોકડાઉન અને સરકારી સુચનાઓનો કડક અમલ જ મહાસંકટમાંથી ઉગારી શકે છે. આજે નોંધાયેલા તમામ કેસો અમદાવાદના દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસરમાંથી સામે આવ્યા છે. આગામી બે થી ત્રણ દિવસમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. અમદાવાદના 50 કેસ મરકજમાં ગયેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મરકઝમાંથી આવેલા લોકો દ્વારા કમ્યુનીટી ટ્રાન્સમિશનનો તબક્કો આવી ગયો છે.

કમિશનરે એવું કહ્યું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન જાહેર કરી અને બફર ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં રહેલા દરવાજા પર કોરોના ચેક પોસ્ટ બનાવી અને લોકોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં 1. સર્વેલન્સ, 2. ટેસ્ટિંગ 3. પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને 4. સારી સારવાર. હજુ 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોનો ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.

આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા હતા.તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે 600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.  જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 133 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ 6 લોકોના મોત થયા છે જ્યારે 8 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે.

તેમણે અપીલ કરી હતી કે, કોરોના પોઝિટીવ કેસોની સંખ્યાને જોઈને ડરવાની જરૂર નથી. કોઈપણ વ્યક્તિમાં લક્ષણ જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક કરો. આરોગ્યકર્મીઓને સહયોગ આપવા અપીલ કરાઈ છે. જ્યારે નહેરાએ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે.