મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારમાં ગત રાત્રે વળાંક પાસે બાઈક ચાલકે ફૂલ સ્પિડમાં એક માતા અને તેના બે જોડિયા (ટ્વીન્સ) બાળકોને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ બંને બાળકોના ત્યાં મોત નિપજ્યા હતા. બાઈક ચાલક આ ટક્કર પછી ત્યાંથી ભાગી ગયો હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ ઘટનામાં પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે 108 પર ફોન કર્યાના અડધો કલાક બાદ એમ્બ્યુલન્સ ન આવતા અમારે રિક્ષામાં બંનેને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. જો સમયસર 108 એમ્બ્યૂલન્સ વાન આવી ગઈ હોત તો કદાચ અમારા સંતાનો જીવતા હોત.

નારોલ ગામ પાસે ધરતી સોસાયટી આવેલી છે. મૂળ રાજસ્થાનના વતની અને છૂટક મજુરી કરી ગુજરાન ચલાવતા ઘનશ્યામ ઈનામી આ સોસાયટીમાં રહે છે. ગઈકાલે અગિયારસના હવન અને જમણવાર હતા. તે દરમિયાન તેમના 10 વર્ષિય બે જોડિયા બાળકો લવ અને કુશ ગત રાત્રીના સમયે માતા ભાવનાબહેન સાથે સોસાયટીની બહારના ભાગે હતા ત્યારે એક બાઈકવાળાએ તેમને અડફેટે લઈ લીધા અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. લોકોએ તેનો પીછો કર્યો પણ તે રફ્ફુચક્કર થઈ ગયો હતો.

અકસ્માતમાં લવ અને કુશને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે તેમની માતાને સામાન્ય ઈજાઓ થઈ હતી. પરિવારજનોનું કહેવું છે કે, અકસ્માત પછી પોલીસ કે 108 બંનેમાંથી એક પણ સમયસર આવ્યા નથી. અમને તો તંત્રની કોઈ મદદ મળી નહીં પણ સ્થાનિકોએ ઘણી મદદ કરી અને અમે બાળકોને લઈને રિક્ષામાં એલ જી હોસ્પિટલ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલા મુખ્યમંત્રી વીજય રુપાણીના માસીયાઈ ભાઈનું પણ 108 મોડી આવ્યાને કારણે સમયસર સારવાર ન મળતાં મોત થયું હતું જેમાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે આ ઘટનામાં હજુ એવા કોઈ આદેશ અપાયા હોવાનું સામે આવ્યું નથી.