મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. વિદેશી કંપનીની મોંઘીદાટ કારમાં ખામી આવતા કાર માલિકએ જાહેર રોડ પર ગાડીનું ફુલેકું કાઢ્યું હતું. પોર્સ કંપની બે કરોડની ગાડીમાં ખામી આવતા કાર માલિક ઉમંગ કપોપરાએ કાર સાથે દોરડું બાંધીને ઢોલ નગારા સાથે સરઘસ કાઢ્યું હતું. સાથે જ કાર પર બેનરો લગાવવામાં આવ્યા હતા. જેમાં એક બેનરમાં લખ્યું હતું કે" 2 કરોડની ગાડી કરતા ગધેડો સારો".

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઉમંગ કપોપરાએ દોઢ વર્ષ પહેલા પોર્સ કંપનીની બે કરોડ દસ લાખની કાર ખરીદી હતી. કાર ખરીદી ત્યારથી ગાડીમાં ખામી આવતી હતી. ત્યાર બાદ કંપનીને જાણ પણ કરી હતી. કારની સર્વિસથી કાર માલિક નાખુશ હતા અને કંપની દ્વારા મેન્યુફેક્ચરીંગ ડિફોલ્ટ હોવાનો કાર માલિકે આક્ષેપ કર્યો હતો. અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે પોર્શે ગાડી ઉપર પર ઘાસના પૂળા અને બેનર્સ લગાવી સેટેલાઈટ વિસ્તારથી સરઘસ નિકાળ્યું હતું.

Advertisement


 

 

 

 

 

કાર માલિક ઉમંગ કપોપરાએ મેરાન્યૂઝ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, કાર લીધી ત્યારથી જ તેમાં બ્રેકની ખામી આવવા લાગી હતી. કારની ડિલિવરી લીધાના ચાર પાંચ દિવસમાં લોકડાઉન લાગી ગયું હતું. જેના લીધે મહિનાઓ સુધી શોરૂમ અને સર્વિસ સેન્ટર્સ બંધ હતા. જેથી કંપનીને ઓનલાઈન જાણ કરી હતી. ત્યાર બાદ 6 થી 7 વાર કંપનીમાં કાર બતાવી ચૂક્યો છું. બ્રેકની ખામીના કારણે બે વાર અકસ્માત થતાં બચી ગયો હતો. આજે પોર્સ કંપનીની નવી ગાડીનું લોન્ચિંગ હોવાથી મેં આ ગાડીનું સરઘસ કાઢ્યું છે અને હું લોકોને કહેવા માંગુ છું કે પોર્સ કંપનીની ગાડી લો તે પહેલા જરૂર વિચારજો આટલા પૈસા આપીને ફેસેલિટી ન મળે તો આવી કાર લેવાનો મતલબ શું ?