દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાની બીજી લહેર હવે લહેર નથી રહી સુનામી બની ગઈ છે. જે હોસ્પિટલ આગળ જોઈએ ત્યાં માત્ર એમ્બ્યૂલન્સની લાઈનો જ જોવા મળે છે. ૧૦૮ એમ્બ્યૂલન્સ ૨૪ કલાક લોકોની સેવા માટે કાર્યરત છે પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જ એમને સહકાર ન મળી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે.

બે ત્રણ દિવસ પેહલા રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક બેઠકમાં યોજાઈ હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર અને અન્ય ડેપ્યૂટી કમિશનર્સએ ભાગ લીધો હતો. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા. જે નિર્ણયો પ્રજા માટે તો મદદરૂપ છે પણ આ નિર્ણયના લીધે ૧૦૮ ઇમરજન્સી સેવાઓને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે.

પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી દરેક હોસ્પિટલમાં એવો નિયમ હતો કે ૧૦૮ એમ્બ્યૂલન્સ સિવાય દર્દીને દાખલ કરવા નહીં કરવા, જે નિયમ હવે બદલી દેવામાં આવ્યો અને ખાનગી વાહનોને પણ પરવાનગી આપવામાં આવી છે. દરેક ખાનગી હોસ્પિટલ્સ અને સરકારી હોસ્પિટલોને આદેશ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં બેડની પ્રાપ્યતા અંગે રિયલ ટાઈમ જાણકારી હોસ્પિટલની બહાર લગાવવી.

સૂત્રો પ્રમાણે, હવે થી ૧૦૮ સેવાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણકારી પણ આપવામાં આવતી નથી કે કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે. દર્દીના સગા જે હોસ્પિટલમાં જવાનું કહે તે હોસ્પિટલમાં લઈ જવા માટે ૧૦૮ સેવાને આદેશ કરવામાં આવ્યો છે પણ હોસ્પિટલની બહાર લગાવવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદની લગભગ બધી હોસ્પિટલોમાં ઓક્સિજન વાળા અને વેન્ટિલેટર વાળા લગભગ કોઈ બેડ ખાલી નથી. પહેલા દર્દીઓને વેઈટિંગ લિસ્ટમાં રાખીને જેમ જેમ ખાલી થાય એમ ભરતી કરવામાં આવતા હતા. હવે હોસ્પિટલ્સ દ્વારા બહારથી જ પાડી દેવામાં આવે છે કે કોઈ બેડ ખાલી નથી જેથી એમ્બ્યૂલન્સને દર્દીને બીજે લઈ જવા મજબુર થવું પડે છે. આમ હવે 108ને જ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરવાનું થાય છે. કોર્પોરેશન દ્વારા જે રીતે અગાઉ બેડ અવેઈબલીટીની જાણકારી એમ્બ્યૂલન્સને મળતી હતી તે હવે મળતી નથી.

મળતી માહિતી પ્રમાણે, ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાના કારણે બધું ભારણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી ૧૨૦૦ બેડ કોરોના સ્પેશિયલ હોસ્પિટલ પર આવી ગયું છે. કાલે રાતે લગભગ ૭૦ જેટલી એમ્બ્યૂલન્સ, ખાનગી ગાડીઓ અને રિક્ષામાં લોકો દર્દીઓને લઈને ૧૨૦૦ બેડ હોસ્પિટલની કતારમાં ઊભા હતા. આ કતારમાં મોટા ભાગના લોકો બીજી હોસ્પિટલ્સમાં બેડ ખાલી ન હોવાને કારણે નિરાશ થઈ અહીંયા પોંહચ્યા હતા.

પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૦૮ સેવાઓને જાણ કરવામાં આવતી હતી કે કઈ હોસ્પિટલમાં પ્રર્યાપ્તતા છે તો ૧૦૮ એમ્બ્યૂલન્સ ને સગવડતા રહેતી અને દર્દીની જલદી સારવાર ચાલુ થવાનું સંભવ હતું. હવે જાણકારી મળી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જાણકારી આપવામાં આવતી નથી. જેના પરિણામે ૧૦૮ એમ્બ્યૂલન્સને લાંબી લાંબી કતારોમાં ઊભુ રહવું પડે છે અને બીજા દર્દી સુધી પોંહચવામાં આ જ કારણથી વિલંબ થાય છે. જો કોર્પોરેશન દ્વારા તેમને જાણકારી આપવામાં આવતી હોય તો તેમનો સમય ઓછો બગડે અને બીજા દર્દીની સારવાર પણ સમયસર ચાલુ થઈ શકે.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. ભાવિન જોશી સાથે વાત કરતા જણાવવામાં આવ્યું કે આ અંગે માહિતી ૧૦૮ ઇમરજન્સી સેવામાં પ્રવક્તા જ આપી શકશે. ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રવક્તા સાથે સંપર્ક કરતા કઈ જવાબ મળ્યો નથી.