જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં ચારેય બાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકાર પણ પરિસ્થિતી કાબૂમાં લેવા માટે દિવસ રાત એક કરી રહી છે. પરંતુ દર્દીને હોસ્પિટલ સુધી પોંહચવા માટે એમ્બ્યુલન્સની કલાકો સુધી રાહ જોવી પડે છે. અહીં સુધી કે દર્દીને સરકારી હોસ્પિટલમાં જવાનું શક્ય ન હોય તો પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું હોય તો તેમની પાસે કોર્પોરેશનની પરવાનગીનો પત્ર માગવામાં આવે છે. જોકે આવું કેમ કરવામાં આવી રહ્યું છે તેની તપાસ કરતાં હકીકત સામે આવી કે તંત્ર તરફથી આવો કોઈ નિયમ બનાવાયો નથી. આ માત્ર કામગીરીને ટાળવા માટે થઈ રહ્યું છે.

 મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોના એક દર્દી હોમ કોરોન્ટાઈન રહીને ઘરે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા પરતું તેમનું ઑક્સીજન લેવલ ઘટી જતાં અનેક પ્રાઈવેટ હોસ્પિટલ સાથે સંપર્ક કર્યા ઘણી બધી જગ્યા એ હાઉસફૂલ સાંભળવા મળ્યું. ઘણા પ્રયત્ન પછી એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે બેડ બુક કરાવ્યો હતો. હોસ્પિટલ સુધી પોંહચવા 108નો સંપર્ક કર્યો હતો, કલાક સુધી રાહ જોતાં એમ્યુલન્સ ન આવતા ફરીથી108માં ફોન કરતાં સામેથી જણાવવામાં આવ્યું કે, તમારા નજીકની એમ્બ્યુલન્સ અત્યારે બીજા ઈમર્જન્સી કેસમાં છે.  કેટલો સમય લાગશે તેની અમારી કોઈ માહિતી નથી.

2 કલાક બાદ જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે તેમાં હાજર કર્મચારી કહેવા લાગ્યો કે AMCમાંથી પરમિશન લેવી પડે AMC હા પાડશે તો જ લઈ જઈશું, તેવી અડધો કલાક સુધી રકજક કરવા લાગ્યો. AMC ના પાડશે તો રસ્તામાં ઉતારી દઇશું તેમ કહીને દર્દીને આખરે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવા તૈયાર થયો. 


 

 

 

 

 

AMCમાંથી પરમિશન લેવી પડે કે નહીં તે માટેની પૃષ્ટિ કરતાં AMCના ડો. ભાવિન સોલંકી (ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ) એ જણાવ્યુ હતું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે કોઈ પરમિશન લેવી પડતી નથી. દર્દી સીધે સીધું પ્રાઈવેટ હોસ્પિટલમાં સંપર્ક કરીને સારવાર લઈ શકે છે. સમગ્ર ઘટનાની જાણ 108ના પ્રવક્તા વિકાસ બિહાનીને કરાતા તેમણે આ મામલે વધુ તપાસ કરીશું તેમ જણાવ્યુ હતું. 
 
જે રીતે છેલ્લા 2-3 દિવસોથી ગુજરાતના અલગ - અલગ સ્મશાનગૃહના મૃતદેહના અંતિમક્રિયા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે ત્યારે  કોરોના સામે જજૂમી રહેલા દર્દીઓને સારવાર માટે એક એક સેકન્ડ પણ કિંમતી સાબિત થઈ રહી છે લોકો આ વાત ક્યારે સમજશે ? હજારો બેડની સામે માત્ર 622 એમ્બ્યુલન્સ અમદાવાદના કોરોનાના દર્દીને પોંહચી વળવા શક્ષમ છે?