આદરણીય અહેમદભાઈ

આપને રૂબરૂ મળવાનું થયુ નથી પરંતુ પત્રકારત્વમાં એવુ થાય છે કે જેમને તમે કયારે મળ્યા નથી તેવી વ્યકિતથી તમે સુપેરે પરિચીત હોવ છો, તમારો અને મારો સંબંધ પણ કઈક આવો જ છે, આપણે મળ્યા નથી છતાં તમે અને હું એકબીજાથી પરિચીત છીએ તેવો પરસપર દાવો કરી શકીએ છીએ, આપ સ્વભાવે સાલસ અને મીતભાષી છો તેવુ મેં સાંભળ્યુ છે આપણે એક-બે વખત ફોન ઉપર વાત કરી ત્યારે પણ મને તેવો અહેસાસ થયો હતો, પત્રકારત્વમાં ત્રણ દાયકા કરતા વધુ સમય પસાર કરવાને કારણે કદાચ ભાગ્યે જ હવે માણસને વાંચવામાં ભુલો પડુ, તમને વાંચ્યા પછી સમજાય છે કે તમે ખુલ્લા મનના માણસ છો, કોઈ તમારી ભુલ તરફ નિર્દેશ કરે તો પહેલા કદાચ તમને માઠુ લાગે પણ બીજી જ ક્ષણે તમે તે દિશા તરફ વિચાર  પણ કરો છો, મુળત્વે તમે ગુજરાતી છો અને ગુજરાત તમારી રાજકિય કર્મ ભુમી રહી છે,

દેશમાં કોંગ્રેસના પતનની શરૂઆત ગુજરાતથી થઈ હતી, અને ક્રમશ કોંગ્રેસનું ધોવાણ થયુ, કોંગ્રેસના સીતારા બુંલદ હતા ત્યારે તેની ક્રેડીટ તમને મળતી હતી, મને લાગે છે કોંગ્રેસ જે સ્થિતિમાં હવે પસાર થઈ રહી છે ત્યારે તેની જવાબદારી પણ તમારે જ લેવી પડે, સત્તા તો આવતી જતી હોય છે સત્તા લક્ષ્મી જેવી છે, ચંચળ છે કયારેક તમારી પાસે છે તો તો કયારેક બીજા કોઈની પાસે, વાત અહિયા સત્તાનો નથી, યોધ્ધા લડે અને હારે તેમા વાંધો નથી પણ પણ યોધ્ધા લડવાની માનસીકતા જ ગુમાવી દે તે અસ્હય છે કોંગ્રેસની સ્થિતિ સમગ્ર દેશમાં આવી છે, એક નાગરિક તરીકે કોણ સત્તા ઉપર બેસે છે તેની સાથે મારે નીસ્બત નથી, ભાજપ અને કોંગ્રેસનો અમને સરખો અનુભવ છે. તમને અને ભાજપના એક ત્રાજવામાં બેસાડો તો એક પણ ત્રાજવુ નીચે જાય નહીં, આમ છતાં દેશની કોંગ્રેસની એક વિરોધ પક્ષ તરીકે અત્યારે જરૂર છે,

કોંગ્રેસે સત્તા ગુમાવી તેનું કારણ કોંગ્રેસી નેતાની પ્રજા પ્રત્યે બીનસંવેદનશીલતા અને ખાડે ગયેલો વહિવટ જ કારણભુત હતો, આમ તો કોગ્રેસ ગુજરાતમાં સત્તા ગુમાવી તેને બે દાયકા થઈ ગયા અને કેન્દ્રમાં સત્તા ગુમાવ્યા છે છ વર્ષ થઈ ગયા, ભાજપ સત્તા ઉપર આવ્યા પછી પ્રજાના ઘરના નળીયા સોનાના થયા નથી અને ગરીબોના ખોરડે ઘીના દિવા થતાં નથી, પણ નરેન્દ્ર મોદી અને અમીત શાહ જેવા ખેલાડીઓ તમારી નિષ્ફળતના નગારા પીટી તમને ઉઘાડા પાડી ગયા તેવુ તમે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હોવા છતાં કઈ જ કરી શકયા નહીં, તમને ફરી સત્તા મળે અથવા ના મળે તે સાથે અમારે સ્નાન સુતકનો સંબંધ નથી છતાં દેશમાં ભાજપ જે રીતે કદાવર થઈ ગયો છે ત્યારે લોકશાહીમાં એક સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ તે માટે તમારી જરૂર છે કારણ અમે વિધાનસભા અને લોકસભામાં આવી અમારી વાત કરી શકતા નથી,

એક અંગત વાત કહેવી છે તમે સારા માણસ હોવા છતાં કોંગ્રેસમાં તમારો અવાજ મહત્વનો હોવા છતાં કોંગ્રેસ આવી દશામાં છે તેનું કારણ તમારી આાસપાસ ચાપલુસીનો મોટી ફોજ છે, જે તમને સાહેબ સાહેબના સુરમાં હા પાડયા કરે છે, મારી આ વાતને એક સામાન્ય કોંગ્રેસીની વાત સમજજો કારણ તમારી સાથે રહેલા લોકો તમને સાચી વાત કહેવાને બદલે તમને પસંદ પડે તેવી સારી વાતો કરે છે. મેં ગુજરાત કોંગ્રેસમાં તો જોયુ છે કે જેઓ આખી જીંદગી કોઈ ચુંટણી લડયા નથી અથવા નગરપાલિકા પણ જીતી શકે નહીં તેવા નેતાઓ તમે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરો એટલે તમારી આસપાસ મધમાખીની જેમ બણબણ્યા કરે છે., આ માખી સમૃધ્ધ છે કોઈની પાસે હોટલ છે તો કોઈની પાસે સારી મોંઘી કાર છે જેમાં તે તમને લઈને નિકળે છે આ માખીઓને તમારી સાથે કોઈ પ્રેમ અને વફાદારી નથી આવતીકાલે કોંગ્રેસ પ્રમુખ તમને દિલ્હીથી રવાના કરે અને તમે ભરૂચ પાછો આવશો તો આ માંથી કોઈ ભડનો દિકરો તમારી ખબર પુછવા નહીં આવે આ તો મધપુડામાં મધ નજરે પડે છે એટલે દોડી આવે છે,.

બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મેં એવા અનેક ચહેરા જોયા છે, જેઓ આર્થિક રીતે અને સ્વભાવે સાવ સામાન્ય છે, પણ તેમના નસ નસમાં કોંગ્રેસ છે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે તો કોંગ્રેસે તેમનો ભાવ પુછયો નહીં, પણ કોંગ્રેસ છેલ્લાં બે દાયકાથી કોગ્રેસ સત્તા ઉપર નથી તેમ છતાં તેમની વફાદારી અકબંધ રહી છે, તેઓ વ્યકિતને જોઈ કોંગ્રેસમાં આવ્યા નથી, તેમની તસવીર અહેમદ પટેલ અને રાહુલ ગાંધી સાથે ના હોય તો તેમની જીંદગીમાં ફેર પડતો નથી કારણ તેમને મન કોંગ્રેસ એક સંસ્થા છે વ્યકિત નથી, કદાચ એટલે તેઓ કાયમ તમારી નજરથી ઓઝલ રહ્યા છે કોંગ્રેસ 1990થી ગુજરાતમાં સતત ચુંટણી હારી રહી છે, ચુંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેમેરાની  સામે ગોઠવાઈ જાય છે, પણ પરિણામના દિવસે પ્રદેશ સમિતિમાં મનિષ દોશી સિવાય અમે હારી ગયા તેવુ કહેવા કોઈ હોતુ નથી આવુ છેલ્લાં 29 વર્ષથી હું જોઉ છુ પણ કોંગ્રેસને આવા મનિષ દોશીની કોઈ કિમંત નથી કારણ તેની પાસે પૈસા નથી અને ન્યુસન્સ વેલ્યુ નથી તેની વફાદારીને આપણે મુર્ખતા સમજીએ છીએ

મેં જયરાજસિંહ પરમારને પણ કોંગ્રેસ માટે કામ કરતા જોયા છે, નખશીખ મજુર માણસ ઝાડ ઉપર ચઢી કોંગ્રેસના બેનેર બાંધવાથી લઈ દિવાલો ઉપર પોસ્ટર ચોટાડવાનું કામ તેઓ કરતા હતા આવા અનેક જયરાજો કોંગ્રેસ પાસે છે પણ આપણને તેની કિમંત નથી, જયરાજસિંહની યુવાની કોંગ્રેસને સત્તામાં જોવામાં ખર્ચાઈ ગઈ, પણ જયારે કઈક આપવાનો વખત આવે ત્યારે કોંગ્રેસ કાયમ મનિષ દોશી અને જયરાજસિંહ જેવા સાથીઓની ભુલી ગઈ છે આવી કોંગ્રેસને ઉભી કરી સોફેસ્ટીકેટડ કોગ્રેસીઓથી શકય નથી તેના માટે જયરાજ અને મનિષ જોવા મજુરોની જરૂર છે, સામે પક્ષે નરેન્દ્ર મોદી છે તેમને પોતાના પાયાના માણસની કદર કરતા આવડે છે કદાચ કદર કરવામાં મોડુ કરે છે પણ તેઓ કદર કરવાનું ભુલતા નથી જયારે ભાજપ સત્તા ઉપર ન્હોતી ત્યારે તેમને વફાદાર રહેલા લોકોને સમય આવ્યો તેમણે આપ્યુ છે હમણાં અમરાઈવાડીનું જ ઉદાહરણ લઈ તો પેટા ચુંટણીમાં પ્રદિપસિંહ જાડેજા અને જગદીશ પંચાલ પોતાના શ્રીમંત  વફાદરાનો ટીકીટ આપવા માગતા હતા પણ નરેન્દ્ર મોદીએ પાયાના કાર્યકર જગદીશ પટેલને ટીકીટ આપવાનો આદેશ કર્યો

તમારે નરેન્દ્ર મોદી સામે લડવુ હોય તો મોદીની જેમ આગળનું વિચારવુ પડશે, આમ પણ રાજકારણના તમે પણ માહિર ખેલાડી છો, હાલમાં કોંગ્રેસની  સ્થિતિ નબળી છે એટલે તમને પણ ઘોચપરોણા કરનારની કમી નથી તમને કઈ પણ કહેવાનો ખુુબ નાનો છુ, આમ છતાં મારો અનુભવ કહે છે કે કયારેય ખુબ સામાન્ય માણસો આપણી દિશા અને દશા બદલવામાં કારણભુત બનતા હોય છે, વધુ કઈ તો કઈ અપેક્ષા નથી પણ જયરાજસિંહ પરમાર જેવા પાયાના કાર્યકરની નાારાજગી જોઈ તમે એક મિત્રભાવે કહેવાનું મન થયુ તે પ્રસ્તુત છે મારે લાયક કામકાજ કહેશો

પ્રશાંત દયાળ