મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ પાટીદાર અનામત આંદોલન હજુ ચાલી રહ્યું છે ત્યાં આહીર સમાજે રેજિમેન્ટની માગણી સાથે પોસ્ટકાર્ડ ટુ પીએમ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગ રૂપે પૂરા રાજ્યમાંથી એક જ દિવસમાં પાંચ લાખ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલાયાં છે. જેમાં સુરતમાંથી 45 હજાર પોસ્ટકાર્ડ મોકલાયાં હોવાનું જાણવા મળ્યું છે. હવે બીજા તબક્કામાં તા. 27મીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે.

આહીર સમાજના અગ્રણી સાગર આહીરે કહ્યું કે સમસ્ત આહીર સમાજ-સુરતના નેજા તળે સોમવારે બપોરે અઢી વાગ્યે 60 જેટલા યુવાનો જૂની બોમ્બે માર્કેટ ખાતે એકત્ર થયા હતા અને સુરતમાંથી જે આહીરોએ પોસ્ટકાર્ડ લખ્યાં છે તે તમામ એટલે કે લગભગ 45 હજાર પોસ્ટકાર્ડ વડાપ્રધાનને મોકલવા માટે પોસ્ટ કર્યા હતા. જૂની બોમ્બે માર્કેટમાં આવેલી પોસ્ટ ઓફિસમાં આ પોસ્ટકાર્ડ પોસ્ટ કર્યાં હતાં.

તેમણે કહ્યું કે પૂરા ગુજરાતમાંથી આશરે પાંચ લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે. એક જ દિવસે રાજ્યભરમાંથી તમામ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવાના હોવાથી આજે, સોમવારે બપોરે રાજ્યભરમાં અલગ અલગ પોસ્ટ ઓફિસમાં પાંચ લાખ પોસ્ટકાર્ડ પોસ્ટ કરાયાં છે.

27મીએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાશે

પહેલા તબક્કામાં  પોસ્ટકાર્ડ ઝુંબેશ પૂર્ણ કર્યા બાદ હવે બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. જેમાં આગામી તા. 27મીએ બપોરે આહીર સમાજના પાંચ સોથી વધુ યુવાનો રેલીના રૂપમાં કલેક્ટર કચેરીએ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપશે.