મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ભાજપ અગ્રણી દિનેશ કારીયા અને એ-ડિવિઝનના પીઆઈ બી.પી. સોનારા વચ્ચે થયેલી માથાકૂટ બાદ પીઆઈ સોનારાની બદલીકરવામાં આવી હતી. જેને લઈને આહીર સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જુદી-જુદી રીતે લોકો દ્વારા પોતાનો રોષ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શહેરના કોઠારીયા હાઇ-વે પર આહીર સમાજ દ્વારા ચક્કાજામ કરાયો હતો. જ્યારે ત્રિકોણબાગ ખાતે સર્વ સમાજના લોકોએ પ્રતીક ધરણા કરી પીઆઈની બદલી રદ્દ કરવાની માંગ કરી હતી. 

પીઆઈ સોનારાની બદલી રદ્દ કરવાની માંગ સાથે ઠેર-ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ભરૂચમાં પણ રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ શહેરના કોઠારિયા હાઇ-વે પર આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં વિવિધ બેનરો સાથે રસ્તા પર બેસી ગયા હતા અને ચક્કાજામ સર્જ્યો હતો. જ્યારે બીજી તરફ શહેરના ત્રિકોણ બાગ ખાતે સર્વ સમાજના લોકોએ ધરણા યોજી પીઆઈની બદલી અંગે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. તમામ સમાજના લોકો દ્વારા આ બદલીના વિરોધને લઈને આવનારા સમયમાં આ મામલો ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે.