મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગત સપ્તાહે અમેરિકા દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં પાર્ટનર બનવાનો ઇન્કાર કરવામાં આવ્યા બાદ હવે બ્રિટને પણ આ સમિટમાં પાર્ટનર બનવાની ના પાડી દીધી છે. જેથી હવે આ બંને દેશોમાં સરકારી પ્રતિનિધિઓ આગામી વાયબ્રન્ટ સમિટમાં સામેલ નહીં થાય પરંતુ તેમના દેશના ઉદ્યોગપતિ અને કંપનીઓ ભાગ લેશે.

એક અંગ્રેજી મીડિયાને ચીફ સેક્રેટરી ડૉ. જે.એન. સિંગે જણાવ્યુ હતું કે યુ.કે. આગામી જાન્યુઆરી 2019માં યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશ તરીકે ભાગ નહીં લે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં 17થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે. જો કે અમેરિકા અને યુ.કે. ભલે પાર્ટનર દેશ ન બને પરંતુ આ દેશના ઉદ્યોગ જૂથો આ સમિટમાં ભાગ લઇ શકે છે.

વાયબ્રન્ટ ગુજરાતની ઓફિસિયલ વેબસાઇટ અનુસાર કેનેડા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, ફ્રાંસ, જાપાન, નેધરલેન્ડ, નોર્વે, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, યુએઇ અને ઝુબેકિસ્તાન આગામી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર બનશે. પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પાર્ટનર બનવા અંગે સહમતિ પણ વ્યક્ત કરી દીધી છે. વર્ષ 2017માં યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં 25 લાખ કરોડની કિંમતના 21910 એમઓયુ સાઇન થયા હતા.