પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  સામાન્ય પાનનો ગલ્લો શરૂ કરનાર  અથવા ફુટપાથ ઉપર લારી ઉભી રાખનારની પણ અપેક્ષા હોય છે કે સાંજ પડે બે પૈસા કમાવીશુ. તેવી જ રીતે રાજકારણમાં આવનાર રાજનેતા પણ અપેક્ષા સાથે રાજકારણમાં આવે તેમાં કંઈ ખોટુ પણ નથી. રાજકારણમાં આવનાર નેતાને પદ અથવા મંત્રી પદ મળે તેવી અપેક્ષા હોય છે, કયા રાજનેતાએ કયા પક્ષમાં જવુ તે તેનો સંપુર્ણ વ્યક્તિગત મત છે, તેની સાથે સાથે જે ભાજપમાં જાય છે તેઓ ભ્રષ્ટ અને જેઓ કોંગ્રેસમાં જાય છે તે પવિત્ર છે તેવા એક મીટરથી કોઈપણ રાજનેતાનું મુલ્યાંકન કરવુ યોગ્ય નથી. આમ છતાં રાજનેતા પાસે વિચારોની સ્પષ્ટતા હોય એટલી તો અપેક્ષા જરૂર રાખી શકાય. જેમને લાગે છે કે કોંગ્રેસ રાજ્ય અને દેશ માટે જરૂરી છે તેઓ કોંગ્રેસમાં હોય અને જેમને લાગે છે કે કોંગ્રેસના કારણે દેશ ખાડે ગયો એટલે દેશને બચાવવા માટે ભાજપ જ એક માત્ર વિકલ્પ છે, આમ બંને મતોની આપણે કદર કરવી જોઈએ.

આપણે ત્યાં પ્રજા બે પ્રકારે મત આપતી હોય છે. દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ રાજકિય પક્ષો જ્યારે ઉમેદવારની પસંદગી કરે છે ત્યારે તેના કામ-પ્રામાણિકતા-રાજકિય સમજ અને વૈચારિક ઉંડાણને બાજુ ઉપર રાખી કઈ બેઠક ઉપર ક્યા ધર્મ અને જ્ઞાતિના લોકોનું પ્રભુત્વ છે તેના આધારે ઉમેદવાર પસંદ કરતા હોય છે. ભાગ્યે જ દેશની કોઈ બેઠક જ્ઞાતિ-ધર્મના રાજકારણથી દુર જઈ ઉમેદવાર પસંદ થાય છે. મતદાર પહેલા પોતાની જ્ઞાતિના ઉમેદવારને પ્રાધાન્યતા આપે છે ત્યાર બાદ તેમને લાગે છે કે તેમના વિસ્તારના વિકાસ માટે ભાજપ અથવા કોંગ્રેસ અથવા અન્ય કોઈ પ્રભાવી સાબીત થશે તેમને મત આપે છે. આપણે ત્યાં કમનસીબી એવી છે કે મતદારોનો વ્યક્તિગત મત હોતો નથી, તેનો મત કોઈની આંખે જોયેલી ઘટના અથવા કોઈ  નેતા પાસેથી સાંભળેલી હોય છે .

બીજાને સાંભળીને પોતાનો મત નક્કી કર્યા પછી  મતદાર માને છે કે તેમના માટે ભાજપ અથવા કોંગ્રેસ જ ઉત્તમ છે, પણ જે નેતાને સાંભળી પ્રજા પોતાનો મત નક્કી કરે છે તે જ નેતા છ મહિના પછી અથવા વર્ષ પછી પોતાનો મત બદલી નાખે છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારનો અડ્ડો છે તેવુ માનતા અને વર્ષો સુધી ભાજપના સાંસદ રહેલા શત્રુધ્ન સિન્હા કોંગ્રેસમાં જતા રહે છે. હવે તેમને કોંગ્રેસ દેશનો ઉધ્ધારક લાગે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીને જાહેર ભાષણમાં પાગલ કહેનાર અને તેમના ગામના નંદા સાથે સરખાવનાર કોગ્રેસના નેતા જવાહર ચાવડા ભાજપના મંત્રી બની જાય છે અને હવે તેમને નરેન્દ્ર મોદી મસિહા લાગે છે. પાટીદાર આંદોલન વખતે નરેન્દ્ર મોદીને મા બહુચરાજીના ભગત કહેનાર વરૂણ પટેલ પણ ભાજપનો હિસ્સો થઈ જાય છે.

આ નેતાઓ ક્યારે કયા પક્ષમાં જવુ તે આપણે નક્કી કર્યુ નથી, તેમને યોગ્ય લાગ્યુ ત્યાં તેઓ ગયા, તેમણે કહેલી સાચી ખોટી વાતો આપણે સાંભળી અને આપણે આપણો નેતા સાચુ જ  બોલે છે તેવુ માની લેવાની ભુલ કરી. કોંગ્રેસના નેતાઓએ કહ્યું ભાજપનો ચોકીદાર ચોર છે આપણે માની લીધુ અને આપણે કોંગ્રેસને મત આપ્યો. ભાજપના નેતાએ કહ્યુ કોંગ્રેસના નેતા રાહુલ પપ્પુ છે, આપણે માની લીધુ અને આપણે પપ્પુની કેન્દ્રની સરકાર આંચકી લીધી અને મોદીને દેશ સોંપી દીધો, પણ જેવી ચૂંટણી આવી તેની સાથે બકરા-મંડીમાં ખરીદ વેચાણ શરૂ થાય તેમ નેતાઓ અહિંયાથી ત્યાં થવા લાગ્યા. ભાજપમાં હતા તેમને હવે કોંગ્રેસ ઉત્તમ લાગે છે અને કોંગ્રેસમાં હતા તેમને હવે ભાજપ શ્રેષ્ઠ લાગે છે. આ નેતાઓને પુછવાનું મન થાય છે કે અમે તો જમવામાં અનાજ ખાઈએ છીએ પણ તમે છાણ ખાવ છો?

તમારામાં બુધ્ધીનો છાંટો છે કે નહીં કે પછી તમે અક્કલ મઠ્ઠા છો? પ્રજાને કોણ સારૂ તે નક્કી કરવા માટે પાંચ વર્ષે તક મળે છે પણ તમે તો આજે ભાજપને સારો કહો છો આવતીકાલે કોંગ્રસને ભગવાન માનો છો. કેટલાંક નેતાઓએ પોતાની જિંદગીના પાંચ-છ દસકા એક માતા સાથે પસાર કર્યા અને પડોશમાં રહેતી માતાના ખોળામાં જઈ બેઠા છે. પરંતુ હજી વિધાનસભાના પગથિયા માંડ ચઢ્યા તેવા ગુજરાત કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પણ લાગે છે કે કોંગ્રેસે તેમને બહુ અન્યાય કર્યો છે. જ્યાં સુધી અલ્પેશનો સવાલ છે ત્યાં સુધી બાળકના લક્ષણ ઘોડીયામાં જેવી સ્થિતિ છે, વિધાનસભા લડતા પહેલા જ અલ્પેશ ક્યારેક અમિત શાહને તો ક્યારેક રાહુલ ગાંધીને મળતા હતા. આમ તેમણે બંને તરફ પોતાની બોલી લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ડિસેમ્બર 2017માં તેમણે નક્કી કરી લીધુ કે મારા માટે કોંગ્રેસ જ ઉત્તમ છે કારણ મારો સારો ભાવ કોંગ્રેસમાં મળે છે.

જો કે ધારાસભ્ય થયા પછી પણ જાણે બીજાની થાળીમાં રહેલો લાડું મોટો લાગે તેમ અલ્પેશ વિધાનસભામાં બેસતા હતા કોંગ્રેસની બેઠક ઉપર પણ તેમની નજર તો સત્તાધારી પક્ષની ખુરશી તરફ હતી. જ્યારે પણ અલ્પેશ ઠાકોર ભાજપમાં જાય છે તેવી વાત આવી ત્યારે પત્રકારો જુઠ્ઠા છે એટલુ જ કહેવાનું બાકી રાખી અલ્પેશ ઠાકોર પ્રતિક્રિયા આપતા હતા, પણ 2019ની લોકસભાની ચૂંટણી અલ્પેશ અને ધવલસિંહને ફળી, કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાના પગલે હવે અલ્પેશ અને ઘવલ પણ કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે. તેમને લાગી રહ્યુ છે કે કુંવરજી અને જવાહરની જેમ તેમની જિંદગી પણ બદલાઈ જશે. તેઓ ઈચ્છી રહ્યા છે તેવુ તેમની જિંદગીમાં થાય તેવી પ્રાર્થના પણ ભાજપમાં આવનાર તમામ કુંવરજી અને જવાહર જેવા નસીબદાર હોતા નથી. અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ગરજ હોય ત્યારે તેઓ તમામ પ્રકારના સમાધાન કરે અને વચનો આપે છે.

શાહ અને મોદીની ખાસીયત છે કે તેમની યાદશક્તિ સારી છે અને તેઓ તેમને ભાંડનારને માફ કરતા નથી. નરહરી અમીન જેવા કદાવર નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે તેમની હાલત ભાજપે કેવી કરી તેનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ સામાન્ય બોર્ડ-નિગમ આપી ભાજપ તેમને હાંસીયામાં નાખી દેશે. કોંગ્રેસમાં કોને ટિકિટ મળશે તે એક જમાનામાં નરહરી અમીન નક્કી કરતા હતા આજે સ્થિતિ એવી છે કે નરહરીને પોતાની ટિકિટ માટે અમિત શાહ પાસે જવુ પડે છે. આ ઉપરાંત ભાજપ છોડી ગયેલા નેતાઓ ગોરધન ઝડફીયા અને સુનીલ ઓઝા જેવા નેતાઓ જેઓ પાછા ભાજપમાં આવ્યા પણ હાલમાં ક્યાં છે તેવું કોઈ પુછે તો શોધવા પડે તેવી સ્થિતિ છે. ભાજપ પાસે નેતાઓની વખાર છે. વખારમાં જેમ નક્કામો કચરો પડી રહે તેમ આયાતી માલને ડપ્પ કરવામાં આવે છે. આ ડપ્પીંગ સાઈટ ઉપર અલ્પેશ અને ધવલના નામનો ઉમેરો થઇ શકે છે, સત્તા સાથે હોવાનો તેમનો ભ્રમ રહેશે પણ માન મળે તે માટે તરસતા રહેશે, સ્વમાન ગીરવે મુકી આવનાર નેતાઓની હરોળમાં અલ્પેશ અને ઘવલ પણ કદાચ ઉભા હશે.