મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી માંડવાળ પેટે લેવામાં આવતી રકમમાં વધારો કરવાની જાહેરાત કરતાં, સવારથી જ પેટ્રોલ પંપ પર પીયુસી સર્ટી લેવા માટે વાહન ચાલકોની કતાર લાગી ગઈ હતી. આ જ રીતે વીમા કંપનીઓમાં પણ વાહનનો વીમો લેવા વાહન ચાલકોનો ધરાસો થયો હતો.

ટ્રાફીકના કાયદા અનુસાર વાહન ચાલકે હેલમે અને સીટબેલ્ટ બાંધવો અનિવાર્ય હોવા ઉપરાંત દરેક વાહન ચાલક પાસે લાયસન્સ, પીયુસી સર્ટીફીકેટ, વાહનની, આરસીબુક અને વીમો હોવો ફરજિયાત હતો. જોકે મોટાભાગના વાહન ચાલકો હેલમેટ અને સીટબેલ્ટને બાદ કરતાં અન્ય કાયદાઓની અવગણના કરતાં હતા અને તે મુદ્દે પોલીસ પણ આક્રમક મુડમાં ન હતી.

જે વાહનો નવા છે અથવા જેમણે ખરીદી કર્યાને એક વર્ષ પુર્ણ ન થયું હોય તે વાહનની પીયુસીની જરૂર નથી પરંતુ એક વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો છે તેમને પીયુસી લેવું ફરજિયાત છે. છતાં રાજ્યના રસ્તા પર દોડતા 90 ટકા વાહનો પીયુસી લેતા ન હતા. તેવી જ રીતે વાહન જુનું થાય એટલે વાહન માલીક વીમો લેવાનું ટાળતા હતા.

પરંતુ હવે દંડની નવી જોગવાઈ પ્રમાણે જે વાહન ચાલક પાસે પીયુસી અને વીમો ન હોય તેમને અગાઉ 100 રૂપિયાનો દંડ થતો હતો પણ હવે તે રકમમાં વધારો કરી 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકો પીયુસી લેવા માટે સવારથી લાઈનમાં લાગી ગયા હતા. બીજી તરફ જે વીમા એજન્ટ વીમો લેવા ઘરે ઘરે ફરતા હતા તેના બદલે આજે વાહન ચાલકો સામેથી એજન્ટને બોલાવી પોતાના વાહનનો વીમો લઈ રહ્યા છે. જોકે નવા કાયદાનો અમલ તા. 16 સ્પ્ટેમ્બરથી થવાનો છે પરંતુ દંડની મોટી રકમથી બચવા વાહન ચાલકો હવે ઉતાવળીયા થયા છે.