મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરમાં એક દીપડો પાંજરે પુરાયા બાદ બીજો દીપડો પણ આવ્યો હોવાની અફવાના કારણે વન વિભાગ દ્વારા પાટનગરમાં 14 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખૂંદી નાખવામાં આવ્યો હતો. પરંતુ જીઈબી પાસે દીપડાના બદલે જંગલી બિલાડી હોવાનું વન વિભાગે કહ્યું છે.

ગાંધીનગરમાં બે દિપડા આવ્યાં હોવાની અફવાનાં પગલે CCTV ફૂટેજનો સહારો લેવામાં આવ્યો હતો. જેનાં આધારે ગાંધીનગરના થર્મલ પાવર પાસે આવેલા એક બોર નજીક દીપડા જેવું કોઈ પ્રાણી દેખાયું હતું. જેની સધન તપાસના અંતે વન વિભાગે કહ્યું છે કે, આ પ્રાણી દીપડો નથી પરંતુ જંગલી બિલાડી છે. ગાંધીનગરમાં નવા સચિવાલયમાં ઘૂસેલો દીપડો પુનિત ધામ પાસે પાંજરે પૂરાયો હતો. આ દીપડો પાંજરે પૂરાયા છતાં પાટનગરમાં બીજો દીપડો પણ હોવાની અફવા જોરશોરથી ચાલુ રહી હતી. જેના કારણે વનવિભાગ દ્વારા એક જ દિવસમાં પાટનગરમાં 14 લાખ ચોરસમીટર વિસ્તારને ખૂંદી કાઢવામાં આવ્યો હતો. જેમાં કંઈ હાથ નહીં લાગતાં વન વિભાગ દ્વારા આ સર્ચ ઓપરેશન પૂરું થયું હોવાનું જાહેર કરાયું હતું.

તે દરમિયાન ગાંધીનગરમાં CCTV ફૂટેજમાં એક પ્રાણી દેખાયું હતું. જેનાં આધારે વન વિભાગે સધન તપાસ કરી હતી. જેમાં ગાંધીનગર નજીક આવેલા થર્મલ પાવર સ્ટેશન જીઈબી નજીક બોર નંબર 27 પાસે એક દિપડા જેવું પ્રાણી દેખાયું હતું. વન વિભાગે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરતા આ પ્રાણી દીપડો નહીં પરંતુ જંગલી બિલાડી હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેનાં કારણે વન વિભાગ સહિત જીઈબીનાં વસાહતીઓને દિવાળીના તહેવારોમાં દીપડાના ભયથી ઘણી રાહત મળી હતી. જ્યારે સચિવાલયમાં ઘૂસ્યા બાદ પુનીત વન નજીકથી પકડાયેલો પકડાયેલા દીપડાને ચિપ લગાવવા માટે સાસણ ગીર લઈ જવામાં આવ્યો હોવાનું વનવિભાગે જણાવ્યું છે. તો સોમવારે અભેદ સુરક્ષા ધરાવતા સચિવાલય ઘુસેલા આ દીપડાએ સલામતીની પોલ ખોલતા સમગ્ર સચિવાલય સંકુલના તમામ દરવાજાની નીચે પ્રોટેક્શન રોડ તે જ દિવસે સાંજે નાખી દેવામાં આવ્યા હતા.