મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : મવડીની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં  આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 5 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. અહીં 33 દર્દીઓ સાવરવાર લઇ રહ્યા હતા. ઘટના બનતા જ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ વચ્ચે રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. મેયર બિનાબેન આચાર્યએ આગની આ દુર્ઘટનાને જ કુદરતી ગણાવી દેતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આગની ઘટનાને પગલે જ્યારે મેયરને ભૂલ થઈ હોવાનું લાગ્યું તો તેમણે બીજા દિવસે ભૂલ સુધારી દેતા એવું કહ્યું હતું કે તેઓથી આકસ્મિક ઘટનાને બદલે કુદરતી ઘટના બોલાઈ ગયું હતું.

સૌથી મહત્વનો સવાલ તો એ છે કે, આગની ઘટના કુદરતી કેવી રીતે ગણાય ? શું પાંચ લોકોના મોત થવાને નાની જાનહાની ગણી શકાય ? અને જો હોસ્પિટલમાં ફાયર સેફટીનાં સાધનો હતા તો તેનો ઉપયોગ કેમ ન કરાયો ? અને જો સાધનો નહોતા તો એનઓસી કંઈ રીતે અપાયું ? ત્યારે હવે આ તમામ સવાલોનો મેયર મેડમ ક્યારે અને શું જવાબ આપે છે તેનાં પર લોકોની મીટ મંડાયેલી છે.

આ ઘટનાને કુદરતી ઘટના હોવાનું કહેવાયા બાદ મેયરને આખરે ભૂલ સમજાઈ હતી અને તેમણે આ ઘટનામાં તેઓ આકસ્મિક ઘટના હોવાનું કહેવા ગયા હતા પરંતુ ભૂલથી કુદરતી ઘટના બોલી ગયા હોવાનું સ્વિકાર્યું હતું. બીજી તરફ આ ઘટનાને પગલે રાજ્ય સરકારે મુખ્ય સચિવ એ કે રાકેશને તપાસ કરવાની સૂચના આપી છે. તપાસની એસઆઈટી પોલીસ કમિશનર અગ્રવાલના સુપરવિઝન હેઠળ ડીસીપી જાડેજાની આગેવાનીમાં એસપી ગેડમ, એસઓજી પીઆઈ રાવલ દ્વારા આ અંગેનો સ્પષ્ટ રિપોર્ટ તૈયાર કરાશે. રિપોર્ટ કમિશનરને સોંપ્યા બાદ જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશેની પણ હૈયાધારણા તંત્રએ આપી છે.