ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, આગામી મહિનાઓમાં ભારતમાં નશિલા પદાર્થોની દાણચોરીમાં જબ્બર વધારો કરશે. અનામી રહેવા માંગતા એક સ્ત્રોત સૂત્રએ કહ્યું કે, અફઘાનિસ્તનનું ડ્રગ, હવે મોટાપાયે વાયા પાકિસ્તાન બોર્ડર ભારતમાં ઘૂસાડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો હેરોઇનનો ભાવ વધીને લગભગ રૂપિયા પાંચ કરોડ બોલાય છે, પણ અફઘાનિસ્તાનમાં તેનો ભાવ સાવ ઓછો હોય છે.

પણ જ્યારે આ ડ્રગ પાકિસ્તાનમાં દાખલ થાય છે, ત્યારે તેનો ભાવ ગુણવત્તાને આધારે કિલો દીઠ રૂ. ૧.૫ લાખથી પાંચ લાખ સુધી થઈ જાય છે. અને જ્યારે તે ભારતમાં પ્રવેશે ત્યારે તેનું મૂલ્ય વધીને રૂ. ૨૦થી ૨૫ લાખ થઈ જાય છે. કેટલાંક અફઘાની નાગરિકો હાઇ ક્વોલિટી હેરોઇન ડીરાઇવ (પ્રોસેસ કરી) કરવા અને તેની ગુણવત્તામાં વધારો કરવામાં માહેર થઈ ગયા છે. લાંબી લડત પછી તાલિબાનોએ આખરે સત્તા હાંસલ કરી લીધી છે ત્યારે, ગ્લોબલ ડ્રગ વેપાર હવે અહીથી કયા જઈ પહોંચશે તે કલ્પનાનો વિષય છે. .      

Advertisement


 

 

 

 

 

ભારતમાં ભોજન અને અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતી ખસખસ (પોપી સીડ)ના ગ્રાહકોના ખીસામાં કાણાં પડશે. મુંબઇ સ્થિત એક આયાતકાર અને જથ્થાબંધ વેપારીએ કહ્યું કે જૂન ૨૦૨૧માં ખસખસનો ભાવ કિલો દીઠ રૂ. ૧૪૦૦ હતો, હવે રૂ. ૨૫૦૦/૨૮૦૦ આપવા પડશે. અલબત્ત, ભારતમાં વધુ વપરાશ અને સરકારી નિયંત્રણો જોતાં માત્ર પાંચ ટકા જ વાવેતર થાય છે. બાકીનું ૯૫ ટકા તુર્કી અને ઇન્ડોનેશિયાથી આયાત થાય છે. ભાવ વધારાનું અત્યાર સુધીનું કારણ પેટ્રોલ ડિઝલના ભાવ વધારો હતું. પણ હવે અફઘાનિસ્તાન ઘટનાનું વધુ પ્રીમિયમ ઉમેરાશે.

હેરોઇન અને ઓપીયમ એ બંને નશીલા પદાર્થનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. વાસ્તવમાં ઓપીયમ એ અફઘાનિસ્તનના અર્થતંત્રની કરોડરજ્જુ છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ (યુનોડીસી)નો મે ૨૦૨૧ મહિનાનો એક અહેવાલ કહે છે કે ૨૦૨૦મા આખું વિશ્વ કોરોના મહામારીના ભરડામાં હતું ત્યારે અફઘાનિસ્તાનમાં ઓપીયમ/ખસખસના કૂલ વાવેતર વિસ્તારમાં ૩૭ ટકાનો વધારો થયો હતો.  

સૂત્રો કહે છે કે અબ્દુલ સત્તાર નામના એક ડ્રગ ટ્રાફિકરે આ વર્ષે પોતાના ડ્રગ નફામાંથી એક સિનિયર તાલિબાનીને ૩.૩૩ લાખ ડોલરનું વ્યક્તિગત ધોરણે ડોનેશન આપ્યું હતું. એક એજન્સી કરેલા ડ્રગ ટ્રાફિકરના સર્વેમાં ૮૩ ટકાએ કબૂલ્યું હતું કે હા, અમે જુદાજુદા કારણોસર તાલિબાનોને પેમેન્ટ કરીએ છીએ. યુનોડીસી કહે છે કે છેલ્લા ચારમાંથી ત્રણવર્ષ દરમિયાન અફઘાનિસ્તાનમાં ઓપીયમ/ખસખસનું ઉત્પાદન સતત વધતું રહ્યું છે.

Advertisement


 

 

 

 

 

યુએસ સ્પેશ્યલ ઇન્સ્પેકટર જનરલ ફોર અફઘાનિસ્તાને મે ૨૦૨૧માં અફઘાની અમેરિકન અધિકારીઓના સર્વેક્ષણને આધારે એક અહેવાલ રજૂ કરીને કહ્યું હતું કે અફઘાનિસ્તાન તેની કૂલ વાર્ષિક આવકમાંથી ૬૦ ટકા નાર્કોટિક ડ્રગસના ધંધામાંથી મેળવે છે. યુનોડીસી કહે છે કે ૨૦૨૦માં આખા વિશ્વમાં ૨.૯૪ લાખ હેકટરમાં ઓપીયમ/પોપીસિડનું વાવેતર થાય છે, આમાંથી ૨.૨૪ લાખ હેક્ટર એકલા અફઘાનિસ્તાનમાં વાવણી થાય છે. છેલ્લા એક દાયકામાં આ વાવેતર વૃધ્ધિ ૮૦ ટકા જેટલી થવા જાય છે. 

યુનોડીસીના એક અંદાજ પ્રમાણે ૨૦૧૭માં ઓપીયમ/ખસખસનું વિક્રમ ૯૯૦૦ ટનનું ઉત્પાદન થયું હતું, જેમાંથી ખેડૂતોની આવક ૧.૪૦ અબજ ડોલર થઈ હતી, જે અફઘાનિસ્તાનની જીડીપીના ૭ ટકા હતી. કેટલાંક અમેરિકન અને યુનાઈટેડ નેશન્સ અધિકારીઓ માને છે કે અફઘાનિસ્તાનમાં હવે આરાજક્તા સર્જાઇ છે, ત્યારે તાલિબાનો પોતાની આવક વધારવા ગેરકાયદે ઓપીયમ ખસખસ ખેતીને પ્રોતસાહિત કરશે.       

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)