મેરાન્યૂઝ નેટવર્ક.કાબુલ: અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યા બાદ તાલિબાન અફઘાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે પંજશીર ખીણ પર કબજો મેળવવા માટે લડી રહ્યું છે. દરમિયાન, તાલિબાનોએ સોમવારે દાવો કર્યો હતો કે પંજશીર ઘાટી પર "સંપૂર્ણ રીતે કબજો" કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનોનો દાવો છે કે વિદ્રોહનો છેલ્લો ગઢ પંજીશિર કબજે કરવામાં આવ્યો છે. તાલિબાનના મુખ્ય પ્રવપંજશીર ક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ જીત સાથે આપણો દેશ સંપૂર્ણપણે યુદ્ધની દલદલમાંથી બહાર આવી ગયો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં, તાલિબાનીઓ પંજશીરના પ્રાંત ગવર્નરના કમ્પાઉન્ડના ગેટ સામે ઉભા જોવા મળે છે. જો કે તાલિબાનનો વિરોધ કરનારા વિદ્રોહી જૂથના નેતા અહેમદ મસૂદ તરફથી તાલિબાનના દાવા પર અત્યારે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ અફઘાનિસ્તાનના પૂર્વોત્તર પ્રાંત પંજશીરમાં બળવાખોર જૂથના નેતા અહમદ મસૂદે કહ્યું હતું કે જો તાલિબાન પંજશીર છોડી દે તો પ્રતિકારક દળ લડાઈ રોકવા અને વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે.