મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ 5 ઓગસ્ટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરની પહેલી ઈટ વડાપ્રધાન મોદીના હાથે મુકાવા જઈ રહી છે ત્યારે હાલમાં જ મોરારી બાપુનું વિવાદ્સ્પદ નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે તૈયાર ભાણે જમવા આવ્યાની વાત કરી હતી. સાથે જ ભૂમિપૂજન દેશના જવાનો, કન્યાઓ, ખેડૂત, વિજ્ઞાનિક જેવા નવ જેટલા વ્યક્તિઓના હાથે મુકાવાની વાત કરી હતી. આ દરમિયાનમાં હવે વિગતો એવી સામે આવી રહી છે કે આ કાર્યર્કમમાં વડાપ્રદાન મોદી સહીત ફક્ત અમુક જ વીવીઆઈપી ભાગ લેશે. હવે લોકોની નજર એ રામ મંદિર આંદોલનની આગેવાની કરનાર એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓને આમંત્રણ અપાવા પર મંડાઈ રહી છે. બંને નેતાઓને તો હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નથી જ્યારે ઉમા ભારતી અને કલ્યાણ સિંહને આમંત્રણ મળી ચુક્યું છે. કલ્યાણ સિંહ અને ઉમા ભારતી બંનેએ અયોધ્યા જઈશું તેવી પૃષ્ટી પણ કરી છે.

રામ મંદિર ભૂમિ પૂજનના આ કાર્યક્રમ માટે મહેમાનોની યાદીને લઈને ક્યાસ કાઢવામાં આવી રહ્યા હતા તેમાંથી કેટલાક મહેમાનોના પહોંચવાની પૃષ્ટી થઈ ચુકી છે. જ્યારે કેટલાકને હજુ (આ લખાય છે ત્યાં સુધી) સુધી આમંત્રણ મળ્યું નથી. ઉમા ભારતીએ 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન કાર્યક્રમમાં શામેલ થવાની પૃષ્ટી કરી દીધી છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું કે હું 4 ઓગસ્ટની સાંજ સુધી અયોધ્યા પહોંચી જઈશ અને 6 ઓગસ્ટ સુધી ત્યાં જ રહીશ.

કોરોના કાળને લઈને આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં વૃદ્ધ નેતાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિ પૂજન જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો પર કોરોનાનું જોખમ વધુ રહેતું હોવાને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુદની ઉંમર પણ હાલ 69 વર્ષની છે પણ તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરીને  આ કાર્યક્રમમાં જોડાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં મંચ પર વડાપ્રધાન મોદી, આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પ્રમુખ મોહન ભાગવત, નૃત્ય ગોપાલ દાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બે સંતો હશે. તે સિવાયના કોઈ નેતા મંચ પર નહીં હોય. વિગતો એવી પણ છે કે પ્રધાનમંત્રી મોદી ઉપરાંત, અવધેશાનંદ સરસ્વતી, ઉમા ભારતી, સાધવી ઋતંભરા, રામભદ્રાચાર્ય, ઈકબાલ અંસારી, મોહન ભાગવત, યુપીના પૂર્વ સિએમ કલ્યાણ સિંહ, વિનય કટિયારને પણ ભૂમિ પૂજનમાં શામેલ થવાના આમંત્રણ મળ્યા છે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં કોઈ કેન્દ્રીય મંત્રી શામેલ નહીં થાય. ઉંમર અને સ્વાસ્થ્યને લઈને કોરોના સંકટમાં અડવાણી અને જોશીના અયોધ્યા આવવાની સંભાવનાઓ પહેલાથી જ ન હતી.

(અયોધ્યા રામ મંદિરની તમામ અપડેટ્સ મેળવવા અહીં ક્લીક કરી અમારી સાથે જોડાઓ- ફેસબુક, ટ્વીટર)