મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ સુરતના અગ્નિ અકસ્માત બાદ સફાળી જાગેલી રાજ્યભરની મહાનગરપાલિકાઓએ જરૂરી પગલા ભરવા કમર કસી છે. જામનગર મહાનગર પાલિકાએ પણ એક ગતિથી શહેરમાં વિના ફાયર એનઓસીએ ચાલતા ટ્યુશનના હાટડાઓ બંધ કરી ફરજીયાત એનઓસી મેળવવા સ્પષ્ટ સૂચના આપી, ફાયર સેફટી અંગેના જરૂરી નિયમો ઘડી કાઢયા છે ત્યારે ફરી ઉલટી ગંગા  સામે આવી છે. મેડીકલ લીવ પર રહેલા ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટરને બેસાડી દેવાતા વિવાદ સામે આવ્યો છે.

આમેય સુરતની આગની ઘટના બાદ રાજ્ય સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. ફાયરની યોગ્ય મશીનરીઓના અભાવે સુરતની ઘટનામાં મૃત્યુ આંક વધ્યો હતો એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યભરના શહેરોમાં ફાયરની સુવિધાઓને લઈને ટ્યુશન સંચાલકો સામે તવાઈ નોતરી ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે તકેદારી અર્થે ફાયર એનઓસી લીધા પછી જ ટ્યુશન સંકુલો ખોલવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

જામનગરમાં પણ ફાયર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવી લગભગ 200 ઉપરાંત સંકુલ બંધ કરાવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર નિયમો બનાવી એનઓસી આપવાની શરૂઆત કરી ત્યાં જ ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈને  મેડિકલ ઇમરજન્સી આવતા જ તેઓ રજા પર ઉતરી ગયા હતા. બીજી તરફ ખાલી પડેલ ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર ડેપ્યુટી કમિશનર મુકેશ કુંભરાણાએ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઈશ્વર કરસનદાસ ધાણીદારને ચાર્જ સોંપી દીધો હતો. ધાણીદારને આ ચાર્જ મળતા જ એક જ દિવસમાં ધડાધડ ૨૦૦ એનઓસી કાઢી નાખી છે. જોકે બાબત નોટિસ કરતાં વધુ ડ્રાઇવરને સોંપી દેવામાં આવેલ મહત્વપૂર્ણ જગ્યાની છે.

ડેપ્યુટી કમિશનર કુંભરાણા અને કમિશનર સતીશ પટેલ આ નિર્ણય પર યોગ્યતાની મહોર મારી ડ્રાઈવરના ૩૦ વર્ષના કાર્યકાળના અનુભવને આગળ ધર્યો હતો. અધિકારીઓના નિર્ણય શહેર માટે આશીર્વાદ ગણવો કે અભિશાપ એ જનતા નક્કી કરે, પરંતુ તંત્રએ ડ્રાઇવરને ચીફ ફાયર ઓફિસર બનાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. કુદરત ન કરે પરંતુ આગની મોટી દુઘટના સમયે કોણ કોની જવાબદારી ફિસક કરશે? કે પછી સરકારને દોશ આપશે એ તો સમય જ કહેશે.