મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ભારત-ઓસ્ટ્રેલિયાં વચ્ચે એડિલેટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમા ચેતેશ્વર પુજારાએ શાનદાર બેટીંગ કરી હતી. રાજકોટના રહેવાસી એવા ચેતેશ્વરની બેટિંગથી સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓ અને તેના પરિવારમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વરના પિતા અરવિંદ પુજારાએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વિદેશની ઘરતી પર મળેલી જીતથી વધુ આનંદ છે. તેમજ આવનારા સમયના તમામ મેચમાં પણ તે આવી જ જોરદાર ઈનિંગ રમી દેશનું નામ રોશન કરે તેવા મારા આર્શિવાદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં દસ વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું છે.  

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વરે પ્રથમ ઇનિંગમાં 123 અને બીજી ઇનિંગમાં 71 રન બનાવ્યા હતા અને ટેસ્ટ કેરિયરની 20મી હાફ સેન્ચુરી પણ ફટાકરી હતી. આ શાનદાર પરફોર્મન્સ બાદલ તેને મેન ઓફ ઘ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ચેતેશ્વરના શાનદાર દેખાવથી ટીમ ઇન્ડિયાને મળેલી સફળતાથી તેના પિતા ભાવવિભોર બની ગયા હતા. તેમજ તેના પરિવાર સહિત રંગીલા રાજકોટિયાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાએ એડિલેડ ખાતે રમાયેલ આ મેચ 31 રનથી જીતી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં 250 અને બીજા દાવમાં 307 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમએ પ્રથમ ઇનિંગમાં 235 અને બીજી ઇનિંગમા 291 રને ઓલ આઉટ થઇ હતી.