મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીના પાંચ દિવસમાં અમદાવાદ  ડિસ્ટ્રીક્ટ બેન્ક દ્વારા રૂપિયા 745 કરોડની ચલણી નોટો બદલવામાં આવી હતી તેવું નિવેદન કરવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે  બદનક્ષીની ફરિયાદ અમદાવાદ મેટ્રો કોર્ટમાં કરતા કોર્ટે તપાસનો આદેશ આપી વધુ સુનાવણી આગામી તા. 17 સપ્ટેબરના રોજ રાખી છે.

નોટબંધી દરમિયાન ગુજરાતની સૌથી મોટી  સહકારી બેન્ક એડીસી દ્વારા 745 કરોડ બદલી આપવામાં આવ્યા હતા તેવા મતલબનું ટ્વિટ  રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે રણદીપ સુરજેવાલાએ  દિલ્હીમાં પ્રેસ  કોન્ફરન્સ કરી આવી માહિતી પત્રકારને આપી હતી. આ બંને સામે બદનક્ષીની ફરિયાદ કરતા  ચેરમેન અજય પટેલે કહ્યું હતું કે આ પ્રકારના  નિવેદનને કારણે બેંકની શાખને નુકશાન થયું છે તેથી બંને સામે બદનક્ષીનો ગુનો નોંધવો જોઈએ. આ મામલે કોર્ટે ફરિયાદની તપાસનો આદેશ આપી વધુ સુનાવણી તા. 17 સપ્ટેબર 2018ના રોજ રાખી છે.