મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈઃ જેકલીન ફર્નાન્ડીઝને દેશની બહાર જતી વખતે મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી છે. 200 કરોડની રિકવરી કેસમાં EDની ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામેલ છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિકવરી કેસના માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને 10 કરોડ રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. જેમાં લક્ઝરી ગાડીઓ, ઘોડાઓ અને અન્ય મોંઘી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની તિહાર જેલમાંથી 200 કરોડ રૂપિયાની વસૂલાતના મામલામાં EDએ શનિવારે જ ચાર્જશીટ દાખલ કરી હતી.

36 વર્ષીય અભિનેત્રીને EDના લુકઆઉટ સર્ક્યુલરના આધારે કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર રોકી હતી. તપાસ એજન્સીના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર આવીને તેણીની મુસાફરીની પરવાનગી નકારી કાઢી હતી અને જેકલીન ફર્નાન્ડીઝને દેશમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે તેણીને તપાસમાં જોડાવું પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેકલીન દુબઈ અથવા મસ્કત જઈ રહી હતી. તેને રોક્યા બાદ તે સાંજે 6 વાગે એરપોર્ટથી નીકળી ગઈ હતી.

Advertisement


 

 

 

 

 

આ કેસમાં ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. ED સૂત્રોનું કહેવું છે કે, ચાર્જશીટમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનો પણ ઉલ્લેખ છે. ચાર્જશીટમાં આ અભિનેત્રીઓના નિવેદનો પણ સામેલ કરવામાં આવ્યા છે. EDના સૂત્રોનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખર અને જેકલીને જાન્યુઆરી 2021થી એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુકેશે જેકલીન ફર્નાન્ડીઝને 10 કરોડ રૂપિયાથી વધુની મોંઘી ગિફ્ટ મોકલી હતી. મોંઘી ભેટમાં જ્વેલરી, ડાયમંડ જ્વેલરી સેટ, ક્રોકરી, 4 પર્શિયન બિલાડીઓ (એક બિલાડી માટેના 9 લાખ રૂપિયા) અને 52 લાખ રૂપિયાનો ઘોડો સામેલ છે. સુકેશે જેકલીનના ભાઈ-બહેનોને પણ મોટી રકમ મોકલી હતી.

EDએ જેકલીનના નજીકના મિત્રો અને સ્ટાફ કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી. નોરા ફતેહીને સુકેશ ચંદ્રશેખરે બીએમડબલ્યુ કાર અને આઈફોન ભેટમાં આપ્યો હતો. તેની કુલ કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હતી. તિહાર જેલમાંથી 200 કરોડની વસૂલાત માટે હવાલા કેસ હેઠળ દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટમાં આ ખુલાસો થયો છે.

Advertisement


 

 

 

 

 

જ્યારે સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં હતો ત્યારે તે ત્યાંથી બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન સાથે મોબાઈલ પર વાત કરતો હતો. જામીન પર બહાર આવ્યા બાદ સુકેશે ચેન્નાઈ માટે ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરી હતી. તેણે જેકલીન માટે મુંબઈથી દિલ્હીની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરાવી હતી. સુકેશ અને જેકલીન પણ ચેન્નાઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે જામીન પર જેલની બહાર હતો ત્યારે ખાનગી વિમાનમાં હવાઈ મુસાફરી માટે લગભગ આઠ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.