મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દૂનિયાને અલવીદા કહી દીધી છે. રવિવારે તેણે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેના નોકરે તેની જાણકારી પોલીસને આપતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે સુશાંતે આત્મહત્યા કેમ કરી લીધી તેને લઈને હજુ જાણકારી સામે આવી નથી. તેના મિત્રોનું કહેવું છે કે સુશાંત છેલ્લા છએક મહિનાથી ડિપ્રેશનમાં હતો. ઉલ્લેખનીય છે કે સુશાંતની મેનેજરનું હાલમાં જ બિલ્ડીંગ પરથી કુદીને શંકાસ્પદ મોત થયું હતું. બોલીવુડને આવા આકસ્મીક બે ઝટકા લાગ્યા છે.

સુશાંતના મિત્રોએ કહ્યું કે તે ડિપ્રેશનમાં હોવાથી દવાઓ પણ લઈ રહ્યો હતો. ગત રાત્રે સુશાંત કેટલાક દોસ્તો સાથે હતો. સવારે જ્યારે સુશાંતે દરવાજો ન ખોલ્યો તો તેના મિત્રોએ દરવાજો તોડ્યો અને જોયું તો તે રુમમાં ફાંસો ખાઈ લીધેલી હાલતમાં હતો. તે પછી તેના નોકરે પોલીને ફોન કર્યો હતો.

મુંબઈ સ્થિત તેના ઘર પર પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ પહેલા જ સુશાંતની મેનેજર દિશાનું પણ બિલ્ડીંગ પરથી પડી જતાં મોત થયું હતું જેમાં પણ તેણીએ આત્મહત્યા કરી હોવાની ચર્ચા ચાલી હતી. સુશાંતની આત્મહત્યા અંગે મુંબઈ પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે પરંતુ હજુ પોલીસની તપાસ ચાલુ છે, હજુ સુધી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી.

સુશાંત સિંહનો જન્મ પટનામાં થયો હતો. તેણે 'કેદારનાથ', 'પીકે' અને છીછૌરે જેવી ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. સુશાંતે પોતાની કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી. તેમની ટીવી સીરિયલ 'પવિત્ર રિશ્તા' પ્રેક્ષકોમાં ખૂબ પ્રખ્યાત હતી અને તેણે આ સીરિયલથી ઘરે-ઘરે ઓળખ બનાવી હતી.

પિતા બોલવાની સ્થિતિમાં નથી
સુશાંતના મોતના સમાચાર જાણી સહુ કોઈ આશ્ચર્યમાં છે, આઘાતમાં છે. બોલિવૂડ કલાકારોએ દુ:ખમાં ટ્વિટ કર્યું છે. આ સમાચાર મળતાં તેનું વતન પટનાના રાજીવ નગર મહોલ્લો ગમગિન છે. સુશાંતના પિતા કે. કે. સિંઘને ફોન પર માહિતી મળી હતી, તે અત્યારે બોલવાની સ્થિતિમાં નથી. ધોની ફિલ્મના નિર્માતા અરુણ પાંડેએ કહ્યું હતું કે, મને કંઇ સમજાયું નથી. હું આઘાતમાં છું. તે ખૂબ ઉત્સાહી વ્યક્તિ હતો, કેમ આવું કર્યું નથી જાણતો.

આઘાતમાં બોલિવુડ

અનુપમ ખૈર એ કહ્યું કે આખરે કેમ તેણે આવું કર્યું, શક્તિ કપૂરે કહ્યું કે, મને તો કાંઈ સમજાં જ નથી આવી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. કોરોના લોકડાઉનમાં મારો તો સમસ્ત સમય દુઃખ પ્રગટ કરવામાં વીતી રહ્યો છે. આપણે ખુદને મજબૂત કરવાની જરૂર છે. સુશાંતની આત્મહત્યા કરવી તે ક્યાંયથી અણસારમાં ન હતું.

શેખર કપૂરે સુશાંત રાજપૂતને પોતાની ફિલ્મ પાની માટે સાઈન કર્યો હતો. તે સમયે રાજપૂતે ઘણી મોટી ફિલ્મો છોડી દીધી હતી પરંતુ બાદમાં પાની પણ રિલિઝ થઈ શકી ન હતી. રાજપૂત ઘણા ઈન્ટરવ્યૂમાં કહી ચુક્યો છે કે તે તેના કરિયરમાં એક મોટો ઝટકો હતો. તેની ગત ફિલ્મોમાં દેખીએ તો ડ્રાઈવ રિલિઝ થઈ શકી ન હતી, તેનાથી ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવી પડે તે પહેલા સોનચિડિયાનો રિવ્યૂ ખુબ સારો હતો પરંતુ ફિલ્મ ચાલી નહીં. અને છીછૌરે પણ મૂવી સારી હતી પરંતુ બોક્સ ઓફિસ પર જોઈએ તેટલું ન ચાલી અને પીટાઈ ગઈ હતી. જોકે પાક્કી રીતે કહી ન શકાય કે આત્મહત્યા પ્રોફેશનલ કરિયર સાથે જોડાયેલી છે. કારણ કે તેની ઘણી ફિલ્મોએ લોકોમાં જાદુ કરી નાખ્યો હતો.