મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન આ દુનિયામાં હવે નથી રહ્યો. મંગળવારે કોલોન ઇન્ફેક્શનને કારણે તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં તેને લઈને વિવિધ અફવાઓ ઉઠી હતી. જોકે તેની ટીમે કહ્યું કે તે મજબૂત અને લડત ચલાવનાર છે. બુધવારે પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઇરફાન ખાનનું નિધન થયું છે. ફિલ્મ નિર્માતા શૂજિત સરકારે ટ્વિટ કરીને તેના પરિવારને દિલાસો આપ્યો છે.

સારવાર 2018 થી ચાલી રહી છે

2018 માં, ઇરફાન ખાનને ન્યુરોઇન્ડ્રોક્રાઇન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. તેની સારવાર લંડનમાં ચાલી રહી હતી. ત્યારબાદ તેની તબિયતમાં સુધારો થતાં તે ભારત પરત ફર્યો હતો. તાજેતરમાં જ તેની માતાનું નિધન થયું હતું. લોકડાઉન થવાને કારણે તેણીના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યો ન હતો.

કોકીલાબેનમાં ચેકઅપ કરાયું

ઇરફાન સારવાર માટે લંડનથી પરત ફર્યા બાદ કોકિલાબેન હોસ્પિટલમાં ડોકટર્સની દેખરેખ હેઠળ છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે કોકિલાબેન હોસ્પિટલમાં તેની બીમારીને લગતી નિયમિત તપાસ અને સારવાર આપી રહ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ફિલ્મ 'ઇંગ્લિશ મીડિયમ' દરમિયાન પણ તેની તબિયત લથડી હતી. આવી સ્થિતિમાં, આખા યુનિટને શૂટ બંધ કરવું પડ્યું હતું. જ્યારે ઇરફાનને સારું લાગતું ત્યારે શોટ ફરીથી લેવામાં આવતો હતો. ઈરફાન ખાન એક અલગ જ પ્રકારની એક્ટીંગ માટે જાણીતો બન્યો હતો. ઘણી લાંબા સમયની મહેનત બાદ હાલના સમયમાં ઈરફાનના કરિયર માટે સોનેરી દિવસો આવ્યા હતા. તેણે થોડા સમય પહેલા જ હોલીવુડની જ્યુરાસીક પાર્કની સીરીઝ ફિલ્મમાં પણ દમદાર કામ કર્યું હતું. તે સિવાય પણ તેની હિન્દી મીડિયમ, અંગ્રેજી મીડિયમ ફિલ્મ પણ લોકોએ ઘણી પસંદ કરી હતી.