મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના વડા બનાવવામાં આવ્યા હતા. ગુરુવારે સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે આ માહિતી આપી હતી. માહિતી આપતા પટેલે ટિ્‌વટ કર્યું હતું કે, 'જાણીતા કલાકાર પરેશ રાવલને રાષ્ટ્રપતિ દ્વારા એનએસડીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. દેશના કલાકારો અને વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાથી લાભ મેળવશે. હાર્દિક અભિનંદન. '

65 વર્ષીય અભિનેતા રાવલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનએસડીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે એનએસડીના અધ્યક્ષની આ જગ્યા 2017 થી ખાલી હતી. પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાવલે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સાથે અનેક અન્ય એવોર્ડ પણ જીત્યા છે અને અનેક હિટ ફિલ્મો પણ આપી છે.

અધ્યક્ષ બનાવ્યા બાદ પરેશ રાવલે કહ્યું કે  તે પડકારજનક પણ મનોરંજક હશે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ કારણ કે આ તે ક્ષેત્ર છે જે હું સારી રીતે જાણું છું. બીજી તરફ સંસ્કૃતિ મંત્રાલયના મીડિયા સલાહકાર નીતિન ત્રિપાઠીએ કહ્યું કે ભાજપના પૂર્વ સાંસદ રાવલની નિમણૂક ચાર વર્ષ માટે કરવામાં આવી છે.