મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાના કેસમાં પકડયા બાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપી શૈલેષ ઉર્ફે ટાઈગર રબારીની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

ATSની ટીમને બાતમી મળી હતી કે, હત્યાના કેસમાં પેરોલ જમ્પ કરી નાસી ગયેલો આરોપી ધોળકા નજીક જય ગોપાલ કાઠિયાવાડી હોટેલમાં જમવા માટે આવવાનો છે. આથી ટીમે ધોળકા હાઈવે પરની જય ગોપાલ કાઠિયાવાડી હોટેલ પર વોચ ગોઠવી શૈલેષ ઉર્ફે ટાઈગર રબારી (રહે. હાથીજણ, અમદાવાદ)ને જમવા આવતા તેને ઝડપી લીધો હતો.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે  શૈલેષ ઉર્ફે ટાઈગર રબારીએ અંગત અદાવતમાં 2019માં જયદીપ શર્માની તેના સાગરીતો સાથે મળીને હત્યા કરી હતી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થતાં તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. આ દરમિયાન શૈલેષ પેરોલ રજા મંજૂર થતાં જેલમાંથી બહાર આવ્યો હતો અને ત્યારથી તે જેલમાં પરત હાજર નહીં થઈ નાસતો ફરતો હતો. શૈલેષ રબારીને હત્યાના ગુનામાં પકડવામાં આવ્યા બાદ જેલમાં 21 મહિના સુધી રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગત એપ્રિલમાં શૈલેષની પાંચ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી અને જેલમાંથી બહાર આવ્યા બાદથી તે નાસતો ફરતો હતો.