જયેશ મેવાળા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત વિધાનસભાની સવા વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીના પરિણામોને આધાર માનીએ તો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ૨૬ બેઠકોમાંથી ૧૩ બેઠકોમાં ભારે સરસાઈ ધરાવે છે. જ્યારે પાંચ બેઠકોમાં ભાજપ સામાન્ય સરસાઈ ધરાવે છે. તેની સામે એક ડઝન બેઠક ઓછી પડતા ગુજરાતમાં સત્તા પર નહીં આવી શકેલી કોંગ્રેસ ૮ બેઠકોમાં નોંધપાત્ર સરસાઈ ધરાવે છે. ગુજરાત વિધાનસભાની સરસાઈનું સરવૈયું જોતા ભાજપ ૧૩ તેમજ કોંગ્રેસ ૫ બેઠકોમાં મજબુત સ્થિતિમાં છે. જ્યારે ૮ બેઠકોની પાતળી સરસાઈમાં મતદારોનો મિજાજ ગમે તે પક્ષનું પાસું પલટી શકે તેમ છે.

ગુજરાત વિધાનસભાની ડીસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે ૯૭ બેઠકો જીતી સત્તા મેળવી હતી. જ્યારે કોંગ્રેસ અપક્ષ સાથે ૮૦ બેઠકો મેળવી સત્તાથી દુર થઇ ગયો હતો. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોના પરિણામ અને તેની દરેક સંસદીય મતવિસ્તારમાં કુલ થતી સરસાઈને જોતા ભાપના ફિર ૨૬ના અભિયાનને ફટકો પડે તેમ છે. ગુજરાત વિધાનસભાની બેઠકોના પરિણામ પ્રમાણે ભાજપને ૧૩ બેઠકોમાં મજબુત સરસાઈ મળેલી છે. જો કે, આ સરસાઈ ગઈ લોકસભાની ચૂંટણી કરતા ઘણી જ ઘટી ગયેલી છે. જેમાં ભાજપ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, વલસાડ, નવસારી, સુરત અને વડોદરામાં ૧.૯૧ લાખથી લઇ ૩.૯૯ લાખ સુધીની સરસાઈ છેલ્લી વિધાનસભાની ચૂંટણીના આધારે ધરાવે છે.

જ્યારે રાજકોટ, પોરબંદર, ભાવનગર, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ૪૪૮૮૯થી લઇ ૮૬૦૦૦ મતની સરસાઈ છે. ભાજપને કચ્છમાં ૨૫૫૦૦ તો, જામનગરમાં ૯૫૩૦, દાહોદમાં ૧૮૦૦૦, ભરૂચમાં ૨૪૬૪ અને બારડોલીમાં ૪૪૨૦ મતની સામાન્ય સરસાઈ છે. તેની સામે કોંગ્રેસ પક્ષને જૂનાગઢમાં ૧.૧૪ લાખની સરસાઈ છે. તો આણંદમાં ૫૭૦૦૦, અમરેલીમાં ૫૦,૦૦૦ અને સુરેન્દ્રનગરમાં ૪૭૦૦૦ સરસાઈ છે. જયારે પાટણમાં ૩૭૦૦૦, બનાસકાંઠામાં ૨૫૦૦૦, મહેસાણામાં ૧૫૦૦૦ અને સાબરકાંઠામાં ૧૦૦૦૦ જેટલી સરસાઈ છે.

સવા વર્ષ પહેલાની આ રાજકીય સ્થિતિમાં કોંગ્રેસ પાસે હાર્દિક-અલ્પેશ અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી સહીત પાટીદાર ફેકટર જમા પાસું હતું. જે આ વખતે નહીં હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસી બની ગયો છે તો અલ્પેશ કોંગ્રેસી મટી ગયો છે. જો કે, ઘણા વિસ્તારોમાં આજે પણ પાટીદાર ફેકટર અને ખેડૂતોની સમસ્યા ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે. જ્યારે ભાજપ સરકારમાં રૂપાણીનું નેતૃત્વ વિજય આપવી શકે તેમ નથી પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી વડાપ્રધાન પદ માટે ચૂંટણી જંગમાં નહીં હોવા છતાં મોદીના ચહેરા સાથે રાષ્ટ્રવાદના મુદ્દે ભાજપે ફિર ૨૬ માટે રણનીતિ ઘડી છે પરંતુ લોકશાહીમાં સર્વોપરી એવી પ્રજાનો બદલાયેલો મિજાજ જ ૨૬નું પરિણામ ૨૩ એપ્રિલે નક્કી કરી દેશે.