મેરાન્યૂઝ નેટવર્ક.પાલીઃ પાલી જિલ્લા ખાતે સંડેરાવ ગામ પાસે આવેલા જયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક લોખંડનો 100 ફૂટનો પાઈપ ચાલુ લક્ઝરી બસમાં ઘૂસી જતાં 11 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બેદરકારીને કારણે બનેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે પાઈપ રીતસરનો બસની આરપાર નીકળી ગયો હતો. ઘટનાની ભયાનકતા એવી હતી કે એક યુવકનું પાઈપથી માથુ ફાટી ગયું અને એક મહિલાની તો ગરદન જ કપાઈ ગઈ હતી.

મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાનો આ બનાવ છે જ્યારે ગેસ પાઈપલાઈન પાથરતી વખતે કંપનીના અધિકારીઓ અને બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ખાડામાં ગોઠવી રહી હતી. રસ્તાની પાસે ચાલતા કામમાં કેટલીક બાબતોનું ધ્યાન ન અપાતા આ અકસ્માત થયો હતો. એવી વિગતો મળી રહી છે કે પવનને કારણે 100 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો પાઈપ ખેંચાઈ ગયો અને રસ્તા પર ઝડપથી આવી રહેલી બસની આરપાર નીકળી ગયો.