મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજકોટ-ગોંડલ હાઇવે પર શેમળા નજીક સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. આ અકસ્માતમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર લાગી હતી જેના કારણે ટેન્કર દિવાલ તોડી અને રોડની નીચે ઉતરી ગયું હતું. અકસ્માતના પગલે દબાઈ જતા 2 લોકોનાં મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતના પગલે હાઈવે ચીંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 15ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ખરેડાના છોટુભા જાડેજા  અને દેવગઢબારીયાના રાણીપુરા ગામના ગોવિંદ પટેલ નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોમાં અનિતાબેન ભુરિયા , કમલેશભાઈ ભૂરીયા ,રામસિંગભાઈ વર્ધનભાઈ, બાબુભાઇ પટેલ ,  ભરતભાઈ પટેલ , શંકરભાઇ પટેલ , દીપસિંગભાઈ પટેલ ,અરવિંદભાઈ ખુમાભાઈ,  ભીમજીભાઈ ડોડીયા ,  લાલીતાબેન ડોડીયા ,કવિતાબેન ડોડીયા, ધર્મેશભાઈ મેળા , સુમનબેન મેળા ,  આશાબેન મુકેશ અને ગુડીબેન શીંગાળા નો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી અર્થે જઇ રહ્યા હતા એ સમયે શેમળા પાસે ટ્રેક્ટર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલ તથા રાજકોટ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ટ્રોલી નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનો આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેસીબીની મદદથી દબાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.