મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ધનસુરાના ગોપાલપુરા ગામનું દંપતી બાઈક લઈ બાયડ કામકાજ અર્થે નીકળ્યું હતું. બાયડ નજીક હાઇવે પર પાછળથી યમદૂત બની ધસી આવેલા ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયા હતા. ટ્રકના મહાકાય ટાયર બાઈક ચાલક પર ફરી વળતા બાઈક ચાલકના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ એમ્બ્યૂલન્સ વાન મારફતે દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી બાયડ પોલીસે બાઈક ચાલકના ક્ષતિગ્રસ્ત મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

બાયડ નજીક હાઇવે પરથી પસાર થતા બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધનસુરા તાલુકાના ગોપાલપુરા ગામના મુકેશભાઈ ઉદાભાઈ પગી તેમની પત્ની સાથે બુધવારે રાત્રીના ૮ વાગ્યાના સુમારે બાયડ કામકાજ અર્થે બાઈક લઈને નીકળ્યા હતા બાયડ નજીક પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી ટ્રકના ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાતા બાઈક ચાલક મુકેશભાઈના શરીર પર ભારેખમ ટ્રકના ટાયર ફરી વળતા શરીરના કમ્મરના ભાગેથી બે ટુકડા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમના પત્ની ભુરીબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યૂલન્સ મારફતે તેમને દવાખાને ખસેડાયા હતા.

અકસ્માતના પગલે ઘટનાસ્થળે દોડી આવેલી બાયડ પોલીસે મૃતક બાઈક ચાલકના ક્ષતિગ્રસ્ત મૃતદેહને પોટલામાં લપેટી પીએમ માટે ખસેડી મૃતકના ભાઈ જીતેન્દ્ર ઉદાભાઈ પગીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.