મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેસનની બોલેરો કાર અને એક ખાનગી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ અને એક આરોપી તથા બસમાં સવાર દસ થી વધુ મુસાફરોને મુંઢ ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની કાર આરોપીને લઈને જામજોધપુર તરફ આવતી હતી ત્યારે બંને વાહનો સામસામે ટકરાયા હતા.

જામજોધપુર પંથકમાં સર્જાયેલા અકસ્માતના બનાવની વિગત મુજબ, મંગળવારે સાંજે જામજોધપુર તાલુકા મથકથી ૧૬ કિલોમીટર દુર આવેલ ખારચિયા અને પાનેલી ગામ વચ્ચે પુલ પાસે જામજોધપુર પોલીસ દફતરની બોલેરો કાર અને એક ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી. જેમાં જામજોધપુર પોલીસ દફતરની ગાડીના ચાલક દેવાયતભાઈ, અન્ય બે પોલીસકર્મીઓ સહીત ચાર તેમજ ટક્કર થતા ખાનગી બસ રોડ નીચે ઉતરી પલટી મારી ગઈ હતી. જેમાં સવાર દસથી વધુ મુસાફરોને ઓછી વતી ઈજા પહોંચતા જામજોધપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા પોલીસ જવાન દેવાયતભાઈને જામનગર રીફર કરવામાં આવ્યા હતા.

જામજોધપુર પોલીસ દફતરનો સ્ટાફ જેતપુર ખાતેથી એક આરોપીનો કબજો સંભાળી પરત આવી રહ્યા હતા. જ્યારે ખાનગી ટ્રાવેલ્સ જામજોધપુરથી ઉપલેટા તરફ જઈ રહી હતી ત્યારે બંને વચ્ચે અક્સમાત થયો હતો. આ અકસ્માતના પગલે દોડધામ મચી જવા પામી હતી. જે સ્થળે અકસ્માત થયો છે તે સ્થળ ભાયાવદર (રાજકોટ) પોલીસ દફતરમાં આવતું હોવાથી જે તે પોલીસે ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.