મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: પાટનગર ગાંધીનગરના ‘ચ’ રોડ પર આજે ગુરુવારે સવારે ફોર્ચ્યુનર કાર અને અમૂલ દૂધની હેરફેર કરતા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થયાના અહેવાલ સાંપડ્યા નથી. પરંતુ આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ગાંધીનગરના ‘ચ’ રોડ પર સચિવાલયના ગેટ નંબર 6 નજીક ફોર્ચ્યુનર કાર નંબર GJ 18 BB 9809 અને અમુલ દૂધની હેરફેર કરતા આઇશર ટ્રક નંબર GJ 01 AT 2723 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કરથી ફોર્ચ્યુનર કાર પલટી મારી ગઇ હતી અને ટ્રક તેને ઢસડીને છેડ ફૂટપાથ સુધી ધસી ગઇ હતી. અમૂલ દૂધ લઇ જતી આ ટ્રક પર વિતરક: ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મં. લી. રૂટ નં. 1/4 લખેલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફોર્ચ્યુનર કાર અરવિંદભાઇ બદાભાઇ ચૌધરી રહે. સેક્ટર 26, ગાંધીનગરના નામે આરટીઓમાં રજીસ્ટર કરવામાં આવેલી છે. આ અકસ્માતમાં જાનહાની કે ઇજા અંગે કોઈ અહેવાલ સાંપડ્યા નથી. આ મામલે પોલીસ ફરિયાદ અંગે પણ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. બપોર દરમિયાન આ બંને વાહનને પણ અકસ્માત સ્થળથી હટાવી લેવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માત રોડ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હોઇ શકે છે.