મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ  સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે અપ્રમાણસર મિલકતની તપાસ હવે એન્ટીકરપ્શન બ્યૂરો કરશે. ગુરુવારે આ મુદ્દે રાજ્ય સરકારે એસીબીને તપાસ માટે મંજૂરી આપી હતી. અગાઉ ગત વર્ષે તક્ષશિલા અગ્નિ કાંડ બાદ ઉભા થયેલા વિવાદ વખતે એક ફરિયાદને આધારે કેતન પટેલ સામે એસીબી તપાસનો મુદ્દો ઊભો થયો હતો. જોકે મહાનગરપાલિકાએ એન્ટીકરપ્શન બ્યુરોની મંજૂરી માટેની માંગણીને પડતર રાખી હતી. એક વર્ષ સુધી સુષુપ્ત પડેલા આ મુદ્દા ઉપર મહાનગરપાલિકાનો અભિપ્રાય મેળવ્યા વગર રાજ્ય સરકારે વિશેષ સત્તા હેઠળ સ્વયં મંજૂરી આપી દીધી હતી. આને લીધે સરકારે આપેલી મંજૂરી પાછળ બદલાયેલા રાજકીય સંજોગો સામે પણ અંગુલીનિર્દેશ થઈ રહ્યો છે. સરકારની આ મંજૂરી બાદ ગણતરીના કલાકોમાં જ ડેપ્યુટી કમિશનર કેતન પટેલે કમિશનર મારફતે સ્થાયી સમિતિમાં રાજીનામું પણ આપી દીધું હતું.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ વિરુધ્ધ એન્ટી કરપ્શ બ્યુરો (ACB) તપાસ હાથ ધરશે. આવક કરતા વધુ મિલ્કત ધરાવતા હોવાની ફરિયાદના આધારે ACBએ તપાસ હાથ ધરી છે. સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ પાસે, પાંચ કાર છે. અલથાણ ગાયત્રી નગરમાં બંગ્લો છે. સોનાના દાગીનાની ખરીદી કરી હતી. તેમણે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાની વાત ફરિયાદમાં જણાવાઈ હતી.


 

 

 

 

 

ગત વર્ષે તક્ષશિલા હોનારત થઈ હતી તે વખતે પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતના મુદ્દે ભારે વિવાદ થયો હતો. આ વિવાદ આ વખતે ડિંડોલીના એક શખ્સ દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે અપ્રમાણસર મિલકતની તપાસ માટેની માગ કરતી ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં કરવામાં આવી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત મહાનગર પાલિકા પાસે તપાસ માટેની મંજૂરી માંગી હતી. ભારે વિવાદ થયો હતો. જો કે, ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ ભેદી સંજોગોમાં સુષુપ્ત થઈ ગયું હતું. પાલિકાએ એન્ટીકરપ્શન બ્યુરોની મંજૂરીની માંગણીને પડતર રાખી દીધી હતી.

ગુરુવારે રાજ્ય સરકારે સુરત પાલિકાની મંજૂરી ન હોવા છતાં વિશેષ સત્તા હેઠળ કેતન પટેલ સામે અપ્રમાણસર મિલકતની તપાસ માટે મંજૂરી આપી દીધી હતી. આને લીધે એકાએક લેવાયેલા નિર્ણયની પાછળ પણ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. સુરત શહેર અને રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં સત્તાપક્ષમાં બદલાયેલા રાજકીય સંજોગોને લીધે આ મંજૂરી આપવામાં આવી હોવાનું પણ કહેવાય છે.

અપ્રમાણસર મિલકતના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા એસીબીની તપાસને મંજૂરી આપ્યાના ગણતરીના કલાકો બાદ ડેપ્યુટી કમિશનર કેતન પટેલે પાલિકાની નોકરીમાંથી રામરામ કરી દેવા માટેની તૈયારી બતાવી દીધી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાની મારફતે સ્થાયી સમિતિમાં ભાજપ શાસકો સમક્ષ પોતાનું રાજીનામું મોકલાવી દીધું હતું.