મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબોના બાળકોને પુરતી વ્યવસ્થા મળે અને તેઓ પણ રાજ્યના આમ બાળકોની જેમ શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકાર સર્વ શિક્ષા અભિયાન હેઠળ હેઠળ કરે છે અને તે પેટે કરોડો રૂપિયા ખર્ચ પણ કરે છે, પણ રાજ્યના અધિકારીઓ અને આ અભિયાન સાથે જોડાયા આચાર્ય સરકારી પૈસાનો ઉપયોગ બાળકો માટે કરવાને બદલે પોતાના ખીસ્સામાં પૈસા સેરવી લેતા હોવાની ફરિયાદ ઉઠી છે. ભાવનગરના પાલીતાણામાં રહેતા અને સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધીરૂભાઈ ચૌહાણે ખુદે ભાવનગર કલેકટર સામે દસ્તાવેજી પુરાવા રજુ કરી યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ અને આચાર્ય કઈ રીતે ભ્રષ્ટાચાર આચરે છે તેના પુરાવા રજુ કરી તપાસની માંગણી કરી છે.

ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબો જેઓ કામ અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય છે તેમના બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે રાજય સરકારની યોજના પ્રમાણે આ બાળકો માટે હોસ્ટેલ સહિત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકાર દ્નારા કરવામાં આવે છે, આ ઉપરાંત આ બાળકોની ભોજન વ્યવસ્થા પણ સરકાર કરતી હોય છે જે માટે રાજય સરકાર યોજના હેઠળ પૈસા ફાળવી કોન્ટ્રાકટરો પાસે કામ કરવા છે, પરંતુ આ યોજના સાથે સંકાળાયેલા અધિકારીઓ અને શાળાના આચાર્યો મેળાપણીમાં ખરેખર બાળકો માટે મળતા પૈસા પોતાના મળતીયાના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી પૈસા ઉપાડી લેતા હોય છે.

ધીરૂભાઈ ચૌહાણે કરેલી ફરિયાદમાં તેમણે આ મામલે હાર્દિક ગોહેલ ( બીઆરસી પાલીતાણા) યુનુસખાન બલોચ ( આચાર્ય અમરાજી જાળીયા) પ્રતાપસિંહ પરમાર ( સીઆરસી કુંભણ) વજેસિંહ શીણોલ (આચાર્ય દુધાણા) વિજયસિંહ મોરી અને ધર્મેન્દ્રસિંહ પરમાર (પુર્વ સીઆરસી પાલીતાણા), પીયુશ ગોહેલ (પુર્વ આચાર્ય ચંડોળ), શંભુ પરમાર (પુર્વ આચાર્ય ઠાડચ), અનિરૂધ્ધસિંહ પરમાર (સીઆરસી) નરેન્દ્રસિંહ પરમાર (સીઆરસી ગરાજીયા) અને વિશ્વદિપ ડોડીયા (પુર્વ શિક્ષક) સામે તપાસ કરવાની માગણી કરી છે.