મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદાઃ ગુજરાતમાં લાંચિયા બાબુઓનો રાફડો ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં ACB દ્વારા છ અલગ-અલગ જગ્યાએ સપાટો બોલાવીને લાંચિયાબાબુઓનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આજે એક વધુ લાંચિયા અધિકારી ACBના હાથે ઝડપાઇ ગયો છે. એક બાજુ મોંઘવારીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે ત્યારે બીજી બાજુ આવા લાંચિયાબાબુઓ પ્રજા પર વધારાનો બોજ બનતા હોય છે.

નર્મદા-રાજપીપળા એસીબીની ટીમને એવી આધારભૂત માહિતી મળેલી કે સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.૫૦૦/- થી રૂ. ૨૦૦૦/- ની લાંચની માંગણી કરતા હતા અને આ લાંચની રકમ ના આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી કરતાં ન હતા. આ માહિતીના આધારે  હકીકતની ખરાઈ કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ, નર્મદા- રાજપીપલા ખાતે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી દિલીપકુમાર લાભશંકર તેરૈયા સબ રજીસ્ટ્રાર વર્ગ-૩ એ  સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરીમાં દસ્તાવેજ કરી આપવાના માટે  રૂ. ૨૦૦૦/- લાંચની રકમની માંગણી કરીને સ્વીકારી હતી. તે સમયે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

Advertisement


 

 

 

 

 

સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદના દિલીપકુમાર લાભશંકરભાઈ તેરૈયા લાંચ લેતા ઝડપાઇ જતાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા એક જ સપ્તાહમાં છ રેડ કરી આવા લાંચિયાઓ સામે કાર્યવાહી કરી છે. જોકે હજુ પણ ઘણા લાંચિયાઓ છે જેમની આંખો ખુલી નથી અને તેઓ પાંચ પચીસ માટે પણ પોતાના પરિવારની શાખ અને સંસ્કારને ભર બજારમાં ખુલ્લા મુકી દેતા હોય છે. આ અંગે કડક કાર્યવાહીના ઉદાહરણો સામે આવે તો કદાચ આવા લાંચિયાઓના હાથ થરથરે.